- NMC દ્વારા મેડિકલમાં પ્રવેશ, પરીક્ષા સહિતના નવા નિયમો જાહેર કરાયા
- પ્રવેશ પ્રક્રિયા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોમન કાઉન્સેલિંગ કરવામાં આવશે
- જાહેર કરવામાં આવેલી સીટ મેટ્રિક્સના આધારે કરવામાં આવશે
નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા મેડિકલની પ્રવેશ પરીક્ષા, પ્રવેશ કાર્યવાહી સહિતના નવા નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં મેડિકલમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)નો દ્વાર ધોરણ.12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓ માટે ઓપન કરી દીધો છે. NMC દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ધો.12માં (તેની સમકક્ષ) માત્ર પાસ થયેલા કોઇપણ વિદ્યાર્થીઓ નીટ આપી શકશે. આમ અત્યાર સુધીમાં નીટ આપવા માટે ધો.12માં 50 ટકા માર્કસ ફરજિયાત હતા તે મર્યાદા હવે દૂર કરી દેવામાં આવી છે. આ સિવાય પ્રવેશ ફાળવણીમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કોમ કાઉન્સેલિંગ કરવામાં આવશે.
મેડિકલમાં પ્રવેશ સમયે નીટ આપનારા વિદ્યાર્થીને ધો.12માં 50 ટકા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવતી હતી. જો વિદ્યાર્થીને 50 ટકા ન હોય તો તે પ્રવેશ માટે લાયક ગણવામાં આવતા નહોતા. પરંતુ નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ગેઝેટના નવા નિયમો મુજબ મેડિકલમાં પ્રવેશ માટે ધો.12માં 50 ટકાની મર્યાદા કાઢી નાંખવામાં આવી છે. જેથી હવે પછી નવી વ્યવસ્થામાં માત્ર નીટ પાસ થયા પછી ધો.12માં 50 ટકા છે કે નહી તેની કોઇ ચકાસણી થશે નહી. માત્ર પાસ હોય તો પણ તેને માન્ય કરી દેવામા આવશે. નીટ-યુજી આપનાર વિદ્યાર્થીએ 31 જાન્યુઆરી કે એ પહેલા 17 વર્ષની વય પૂર્ણ કરી ન હોવી જોઈએ.
આ ઉપરાંત રાજય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા જ કરવામાં આવશે. કોમન કાઉન્સેલિંગ એનએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી સીટ મેટ્રિક્સના આધારે કરવામાં આવશે.