- સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હંગામેદાર બની
- સામાન્ય સભામાં ઉઠ્યો સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો
- વેફર, ચીકી વેચતી કંપનીને સ્કૂલબેગનું કામ આપ્યાનો આક્ષેપ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો. સમિતિની શાળામાં નવા સત્રના આરંભે જ શિક્ષકોની મોટી સંખ્યામાં ઘટ હોવાનો આક્ષેપ વિપક્ષી સભ્યે કર્યો હતો. સામાન્ય સભામાં અનેકવાર વિપક્ષી સભ્યે આ મુદ્દે ટકોર કરી હતી અને તે વેળાએ સત્તા પક્ષના સભ્યો સાથે રીકઝીક પણ થઇ હતી.
જોકે, સામાન્ય સભા પૂરી થયા બાદ વિપક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં સભાગૃહ બહાર ધસી આવ્યા હતા. હાથમાં બેનર લઇને આવેલા કાર્યકરોએ ‘શિક્ષકોની ઘટ પૂરી કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેની સામે સત્તા સભના સભ્યોએ ‘ભાજપમાં આવી જાઓ’ના નારા લગાડ્યા હતા. સામાન્ય સભા પૂરી થયા બાદ લોબીમાં 15 મિનિટ સુધી સભ્યો અને વિપક્ષી કાર્યકરો વચ્ચે રીતસરનું ઘર્ષણ થયુ હતુ. સામસામે ધક્કામુક્કી પણ થઇ હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓએ વચ્ચે પડી મામલો ઠારે પાડ્યો હતો. તેમજ બન્ને પક્ષના સભ્યો. કાર્યકરોને દૂર કર્યા હતા.
સ્કૂલબેગ અને સ્ટેશનરી કીટના 1.02 કરોડના કામ મંજૂર
સમિતિની સામાન્ય સભામાં વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ વેળાએ સ્ટેશનરી કીટ આપવા માટે 69.16 લાખનું કામ મંજૂર કરાયુ હતુ. ધો-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ પૂરી પાડવા 31.36 લાખનું કામ, શાળાઓમાં ચલણ બુક આપવા 1.10 લાખનું કામ, શાળાઓમાં વિઝીટ બુક આપવા 19500નું કામ અને ડેડ સ્ટોક રજીસ્ટર આપવા માટે 85600 રૂપિયાનું કામ મંજૂર કરાયુ હતુ. કોટ વિસ્તારની શાળા ક્રમાંક-22માં માત્ર બે જ વિદ્યાર્થી હોય શાળા ક્રમાંક-20માં મર્જ કરાઇ હતી. જ્યારે શાળા ક્રમાંક-295નું બે પાળીમાં વિભાજન કરવાનો નિર્ણય કરાયો હતો.
વેફર, ચીકી વેચતી કંપનીને સ્કૂલબેગનું કામ આપ્યાનો આક્ષેપ
સામાન્ય સભામાં વિપક્ષી સભ્યએ વિદ્યાર્થીઓના સ્કૂલબેગ માટે મંજૂર થયેલા ટેન્ડર મુદ્દે ગંભીર આક્ષેપ કર્યો હતો. આક્ષેપ પ્રમાણે, 3 કંપનીઓ પૈકી જે કંપનીને કામ સોંપાયુ છે તેની ઓનલાઇન પ્રોફાઇલ ચેક કરતા તે કંપની લાડુ, વેફર, ચીકી વેચતી હોવાનું જણાયું છે. કંપનીએ ટેન્ડરની શરત પ્રમાણે ત્રણની જગ્યાએ બે જ વર્ષના ઓડીટ રિપોર્ટ રજૂ કર્યા છે. વર્કઓર્ડર અપાયો છે તે કોઇ લીમીટેડ કે પ્રાઇવેટ લીમીટેડ કંપની નથી. આ સિવાય ફેબ્રુઆરીમાં ખરીદીનો નિર્ણય લેવાયા બાદ છેક હમણાં મંજૂરી મેળવવાની વાતે, સ્ટેશનરી કીટનું કામ ટેન્ડર વિના આપવાની વાતે વિરોધ નોંધાવ્યો હતો.