- 500થી વધુ કર્મચારી હડતાળમા જોડાયા
- સુપરિન્ટેન્ડન્ટ ઓફિસની બહાર ઘરણા પર બેઠા
- હડતાળના કારણે દર્દીઓની મુશ્કેલી વધી
સોમવારે સવારથી સુરત નવી સિવિલ હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારી પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતરી જતા પ્રશાસન દોડતું થઈ ગયું છે. 500થી વધુ કર્મચારી હડતાળમાં જોડાતા દર્દીઓને પારાવાર મૂશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આક્રોશિત કર્મચારીઓએ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસની ઘરણા પર બેસી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
કોન્ટ્રાકટર પૂરતો વધારો આપતા નથી
કર્મચારીઓના કહેવા મુજબ સરકાર દ્વારા તેમના પગારમાં વધારો કરાયો છે. તેમના પગારમાં મોટી રકમનો વધારો થયો છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત રૂ.1,000થી 1,500નો વધારો અપાયો છે. જેથી તેમને પૂરો પગાર મળવો જોઈએ એવી માંગ છે. તેમની માંગ પૂર્ણ નહીં થાય તો વિરોધ પ્રદર્શન જારી રહેશે એમ કર્મચારીઓએ વધુમાં કહ્યું હતું.
કોઈ અધિકારી સમસ્યા સાંભળવા આવતું નથી
સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર ગયેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમારો પગાર રૂ. 17,900 કહેવામાં આવે છે પણ હાથમાં માત્ર રૂ. 12,000 જેવી રકમ આવે છે. તો બાકીના રૂપિયા ક્યાં જાય છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. કર્મચારીઓએ એમ પણ કહ્યું હતું કે, અમે હડતાળ પર છીએ પણ હજુ સુધી કોઈ ઉચ્ચ અધિકારી અમારી પાસે આવી અમારી મુશ્કેલી જાણવા પ્રયત્ન કર્યો નથી.