- શ્રીનગરમાં મિલ્ક ડેની ઉજવણીમાં મંત્રી રાઘવજીની રજૂઆત
- રાજ્યમાં રાષ્ટ્રીય કે પ્રાદેશિક કક્ષાની ડેરી સંશોધન સંસ્થા શરૂ કરવા સૂચન
- વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો
કેન્દ્રના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે પશુપાલન અને ડેરી ક્ષેત્રની સમર મીટ તથા વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે સહભાગી થયા હતા, આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની સહાયથી નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં વર્ષ 2022-23માં 160 લાખ પશુઓમાં થયેલા ખરવા, મોવાસા રસીકરણ, રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ સ્થપાયેલ લેબોરેટરીમાં ઉત્પન્ન કરાયેલા સીમેન ડોઝના ઉપયોગથી જન્મેલી 92 ટકા વાછરડી, પાડી તેમજ રાજ્યમાં 21 જિલ્લાઓમાં અમલ કરાયેલા રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન જેવા વિવિધ કાર્યક્રમ હેઠળ સરાહનીય કામગીરી થઈ રહી છે.
મંત્રીએ કહ્યું હતું કે, 1.20 લાખ જેટલા પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવાની અને નવા 127 ફરતા પશુ દવાખાના માટે કેન્દ્ર સરકાર તરફથી સહયોગ મળ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પશુઓમાં રસીકરણ માટે પૂરી પાડવામાં આવતી વિવિધ રસીઓનો જથ્થો સમયસર ઉપલબ્ધ કરાવવા, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ પશુ પાલન અને ડેરી વિકાસની યોજનાઓ સમાવવા, ગુજરાતના પશુધન, દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાષ્ટ્રીય કે પ્રાદેશિક કક્ષાની ડેરી સંશોધન સંસ્થા શરૂ થાય તે માટે મંત્રીએ કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો.