- રાજકોટ, ભાવનગરમાં પાણી પૂરું પાડવા ટેન્કરો દોડાવાયા
- લીકેજની કામગીરી પૂર્ણ થતાં જ પાણી પુરવઠો પૂર્વવત થશે
- મંત્રી કુંવરજી બાવળિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં પાણી પુરવઠો આંશિક રીતે ખોરવાશે. પરિએજથી પીપળી પાઈપ લાઈનમાં લીકેજ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, 30મી અને હવે 31મીએ પણ પાણી પુરવઠાને અસર થશે, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં પાણી પુરવઠાને અસર થઈ છે. લીકેજની કામગીરી પૂર્ણ થતાં જ પાણી પુરવઠો પૂર્વવત થશે, તેમ મંત્રી કુંવરજી બાવળિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું.
બીજી તરફ રાજ્યના 9 જિલ્લાના 83 ગામોમાં એક જ દિવસમાં ટેન્કરના 312 ફેરા મારફત લોકોને પાણી પહોંચાડવામાં આવ્યું છે. રાજકોટ, ભાવનગર અને બનાસકાંઠા જિલ્લાના ગામોમાં સૌથી વધુ પાણીનો કકળાટ છે. રાજકોટ જિલ્લાના 15 ગામોમાં એક જ દિવસમાં ટેન્કરના 125 ફેરા મારવામાં આવ્યા છે, જે પૈકી રાજકોટ તાલુકામાં 57 ફેરા, લોધિકા તાલુકામાં 36 અને વીંછિયા તાલુકાના ગામોમાં 6 એમ મળીને કુલ 125 ફેરા લગાવવામાં આવ્યા છે. ભાવનગરના તળાજા, પાલીતાણા અને ભાવનગર તાલુકાના 17 ગામોમાં એક જ દિવસમાં ટેન્કરના 46 ફેરા મારફત પીવાનું પાણી પહોંચાડાયું છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખંભાળિયાના 7 ગામોમાં 32 ફેરા, ગીર સોમનાથના વેરાવળમાં ટેન્કરના ત્રણ ફેરા લગાવાયા છે.