- 50 લાખની BMW કારના માટે માલિકે 9.85 લાખ ચૂકવ્યા
- પસંદગીના નંબર પેટે સુરત આરટીઓને 49.51 લાખની આવક
- 9 નંબર માટે 3.50 લાખ અને 99 માટે 3.15 લાખ રૂપિયા ચૂકવ્યા
સુરતમાં મનપસંદ કાર ખરીદવાના શોખીન સુરતીઓને તેનો પસંદગીનો નંબર લેવાનો પણ જબરદસ્ત ક્રેઝ છે. સુરતીઓ જૂના વાહનનો નંબર જન્મ તારીખ, મેરેજ એનિવર્સરીની તારીખ અથવા લક્કી નંબર લેવા માટે લખલૂંટ ખર્ચો કરતાં પણ ખચકાતા નથી.
કારની નવી RV સિરીઝ ખુલ્લી મૂકી હતી
સુરતના એક કાર માલિકે 50 લાખની BMW કારના પસંદગીના ૦૦૦1 નંબર માટે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પુત્રની જીદ પૂરી કરવા માટે ટેક્સટાઈલ જમીન દલાલી સાથે સંકળાયેલા કારમાલિકે 9.85 લાખ રૂપિયા ચૂકવી ૦૦૦1 નંબર મેળવ્યો હતો. બીજી તરફ સુરત આરટીઓની કાર અને ટુવ્હીલરની નવી સિરીઝની હરાજી પેટે 49.51 લાખ રૂપિયાની આવક થઈ હતી. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવામાં રાજ્યભરમાં અવ્વલ સુરતીઓ રોજિંદા સરેરાશ 83 જેટલી કાર અને 394 બાઈક ખરીદી રહ્યા છે. દરમિયાન મોંઘાદાટ વ્હીક્લ ખરીદવાના શોખીન સુરતીઓ તેના પસંદગીના નંબર માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે. હાલમાં સુરત આરટીઓ કચેરીના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી આકાશ પટેલે કારની નવી RV સિરીઝ ખુલ્લી મૂકી હતી.
9 નંબર માટે 3.50 લાખ અને 99 માટે 3.15 લાખ રૂપિયા ચૂકવ્યા
નવી સિરીઝમાં કારની પસંદગીનો નંબર લેવા માટે મોટી સંખ્યામાં કારમાલિકોએ ઓનલાઈન અરજી કરી હતી. આ સાથે જ ટુવ્હીલરની પણ નવી સિરીઝ ખુલ્લી મૂકવામાં આવી હતી. જેને પગલે કાર અને ટુવ્હીલરમાં પસંદગીના નંબર લેવા માટે 530 વાહનમાલિકોએ ઓનલાઈન અરજી કરી હતી. જેમાંથી 499 વાહનમાલિકોને નંબર મળ્યાં હતા. જ્યારે કેટલાક નંબર માટે એક કરતાં વધુ વાહનમાલિકોએ ઓનલાઈન અરજી કરતાં સૌથી વધુ બોલી લગાડવારા વાહનમાલિકોને નંબર મળ્યો હતો. જેમાં ૦૦૦1 નંબર લેવા માટે BMWના માલિકે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે 09 નંબર માટે 3.50 લાખ અને ૦૦99 માટે 3.15 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. લાખો રૂપિયા ચૂકવીને આ વાહનમાલિકોએ પોતાનો પસંદગીનો નંબર મેળવ્યો હતો.