- એક પીઆઈની ઓળખ આમ તો શાંત સ્વભાવ ધરાવતા હોવાની છે
- પીઆઇ વિદેશ પ્રવાસે ફરવા ઉપડી ગયા હતા
- સરકારી કર્મી પાસેથી જ 15 લાખનો તોડ કરી નાખ્યો
શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પીઆઈની ઓળખ આમ તો શાંત સ્વભાવ ધરાવતા હોવાની છે, પરંતુ અંદર ખાને ડરપોક પણ છે. આ પીઆઈ એટલા ડરપોક છે કે, ગુનેગારોના ડરથી વિદેશ ફરવા નીકળી ગયા હતા. આ પીઆઈનો ગુનેગારો સાથે કોઈ બાબતે રૂપિયાની લેતીદેતીનો ઓડિયો વાઇરલ થયો હતો. ત્યારે ગુનેગારે એસીબીમાં ફરિયાદ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોતે એસીબીની ટ્રેપમાં ફસાઈ ન જાય એટલે પીઆઇને પોતાનો ગાળિયો મજબૂત થશે અને તેમની ધરપકડ થશે તેવા ડરના કારણે પીઆઇ વિદેશ પ્રવાસે ફરવા ઉપડી ગયા હતા. હવે જોવાનું એ છે કે, આ પીઆઈ સામે પગલાં લેવાશે કે સમગ્ર મામલો રફેદફે થઈ જશે.
દુષ્કર્મનો કેસ ન નોંધવા માટે PIએ સરકારી કર્મી પાસેથી જ 15 લાખનો તોડ કરી નાખ્યો
દુષ્કર્મના કેસમાં 15 લાખ જેટલો તોડ કરી નાખ્યો હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે. વાત એમ છે કે, પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી વિરુદ્ધ એક મહિલા દુષ્કર્મની ફરિયાદ કરવાની હતી. પોલીસ મહિલાને મળવા ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપી સરકારી કર્મચારી હોવાથી પોલીસ સતર્ક થઈ ગઈ અને ખાસ્સી એવી મલાઈ મળશે તેની મીટ માંડીને બેઠી હતી અને થયું પણ એવું જ. આ સરકારી કર્મીએ પોલીસ સાથે ગોઠવણ કરવાનું કહ્યું. પીઆઈએ પણ મોકો જોઈને મોટી રકમ ચૂકવવી પડશે તેવું કહ્યું. અંતે 15 લાખમાં સમગ્ર મામલો રફેદફે કરવાનું નક્કી થઈ ગયું હતું. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, વહીવટ થઈ ગયા બાદ પોલીસે મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો અને સફળ પણ રહ્યો. અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પોલીસ ખાતામાં ચાલતી ચર્ચા મુજબ, સામાન્ય નાગરિક જો દુષ્કર્મના કેસમાં ફસાય તો પોલીસ તેની સામે અન્ય કલમો ઉમેરીને પણ તેની જેલની હવા ખવડાવે છે, પરંતુ જો કોઈ વગદાર માણસ આવા જ કેસમાંથી સહેલાઈથી બચી જાય છે. આવા કેસમાં સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને કસૂરવાર ઠરે તો તેની સામે પણ કડકમાં કડક પગલાં લેવાય તે રીતે કામગીરી કરવી જોઈએ. આવા ભ્રષ્ટ અધિકારીઓને કારણે જ કાયદાનો ડર વગદાર લોકોમાં જોવા નથી મળતો અને બિન્ધાસ્ત ગુનો આચરીને છટકબારી શોધી ખુલ્લેઆમ ફરતા હોય છે. બીજી તરફ મહિલાઓએ પણ ખોટી રીતે બદનામ કરવા કોઈની પર કેસ ન કરવો જોઈએ અને જો દુષ્કર્મનો ભોગ બની હોય તો મક્કમ રહીને છેક સુધી લડવું જોઈએ.
તોડકાંડમાં એક પોલીસ કર્મીને દ્બ કંપનીમાં બદલી છતાં તેણે એટેચમાં બતાવીને એજન્સીમાં રાખ્યો !
શહેરમાં ફરજ બજાવતો એક પોલીસ કર્મી સમગ્ર પોલીસબેડામાં જાણે પોતાના સમાજ માટે જ નોકરી કરતો હોય તેમ પોતાના સમાજની આવતી ફરિયાદો બારોબાર પૂરી કરી દે છે. આ કર્મી અગાઉ એક મોટા તોડકાંડમાં સપડાયો હતો. જેને લઇને તેણે દ્બ કંપનીમાં બદલી કરવામાં આવી હતી. જોકે, આ પોલીસ કર્મીને દ્બ કંપનીમાંથી રોજ જાપ્તામાં જવું પડતું હોવાથી કંટાળી ગયો હતો. આટલું જ નહીં, આ કર્મી બીમારીની ખોટી રજા પણ ભોગવી આવ્યો પણ હતો. આ કર્મી શહેરમાં અગાઉ અનેક પીઆઇનો પેટા વહીવટદાર તરીકે કામ કરી ચૂક્યો હોવાથી તેણે દ્બ કંપનીમાંથી છુટકારો મળે તેના માટે અનેક પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. અનેક ભલામણોના અંતે એટેચમાં રાખીને શહેરની મલાઇદાર એજન્સીમાં ફરજ બજાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતીમાં કહેવત પ્રમાણે, કૂતરાની પૂંછડી વાંકીને વાંકી રહે તે રીતે આ કર્મી પણ મલાઇદાર એજન્સીમાં જઇને એકલદોકલ સટ્ટા બેટિંગ કરતા શખ્સોને પકડીને લાખો રૂપિયાનો તોડ કરતો હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે.
પોલીસકર્મીએ મોટા ક્રિકેટ તોડકાંડમાં વિષ્ણુજીની જય બોલીને નવ લાખ તોડ કર્યો
ટેકનોલોજીમાં માસ્ટર તરીકે ઓળખાતા એક પોલીસકર્મી સાથેસાથે તેના લખાણમાં પણ માસ્ટરી હોવાથી તે અધિકારીઓના ખાસ બની જતો હોય છે. આ પોલીસકર્મી બાજની નજરની જેમ પોતાનો શિકાર ઝડપી શોધી લેતો હોય છે. અમદાવાદમાં થોડા સમય પહેલાં એક ક્રિકેટ સટ્ટાકાંડ ઝડપાયો હતો, જેમાં આરોપીઓ પાસે કેટલા રૂપિયા લેવા તેનું જ્ઞાન પોલીસ કર્મીએ ઉચ્ચ અધિકારીને આપ્યું હતું. આટલું જ નહીં, આ સટ્ટા કાંડના કેસમાં કયા પ્રકારનો કેસ નોંધવાથી આગામી દિવસોમાં કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટેનું આયોજન પણ કર્મીએ કર્યું હતું. ઉચ્ચ અધિકારીની જાણ બહાર બુકીઓ સાથે સેટિંગ કરીને આ કર્મીએ વિષ્ણુજીની જય હો…’ બોલીને 9 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.