- દિલ્હીના મુખ્યમંત્રીના નિવાદેનો સામે ગુજ. યુનિ.ના કુલસચિવની અરજી
- સાતમી જૂને સુનાવણી દરમિયાન હાજર રહેવામાંથી મુક્તિ માંગી હતી
- કોર્ટમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરાયેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાય તેવા આક્ષેપ અને બદનક્ષી ભર્યા નિવેદનના મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સામે થયેલી ક્રિમિનલ ડિફ્મેશનના કેસમાં મેટ્રો કોર્ટે હુકમ કર્યો છે કે, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ 13 જુલાઈએ હાજર રહે. આ પહેલા 23 મેના રોજ મેટ્રો કોર્ટે બંને નેતાઓને હાજર રહેવા માટે હુકમ કરેલા છે. જેમાં, બંનેએ સાત જૂને કોર્ટ સમક્ષ હાજર થવાનુ હતું. જો કે, તેમના વકીલ દ્વારા અરજી કરીને કોર્ટને વિનંતી કરાઈ હતી કે તેમને આજની મુદત પુરતા હાજર રહેવામાંથી રાહત આપો. આ સમયે કોર્ટે પૂછેલુ કે આ અરજી કાયમ માટેની રાહત અંગેની છે કે આજના દિવસ પુરતી, જેના જવાબમાં કેજરીવાલ અને સંજયસિંહના વકીલની રજૂઆત હતી કે આવતી મુદતે બંને નેતાઓ કોર્ટ સમક્ષ હાજર થશે. મહત્વનુ છે કે, આ પહેલા પણ મેટ્રો કોર્ટે બંને નેતાઓને હાજર રહેવા માટે હુકમ કરેલા છે. જો કે, ટેકનીકલ કારણોસર સમન્સ ઈસ્યુ થયા ન હતા. જેથી, 23 મેના રોજ બંને નેતા સામે કોર્ટમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરાયેલા.
બુધવારે સુનાવણી સમયે, કેજરીવાલના વકીલે કેસ અંગેના સંબંધિત દસ્તાવેજો આપવા માગ કરેલી. જેનો, યુનિવર્સિટીના વકીલે વિરોધ કરેલો. યુનિવર્સિટીના વકીલની રજૂઆત હતી કે, તેમને પહેલાથી જ દસ્તાવેજો આપેલા જ છે.કેસની સુનાવણી સમયે, કોર્ટે ટકોર કરેલી કે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે સાંસદ કે ધારાસભ્યો સામેના કેસ જલદીથી ચલાવીને પૂર્ણ કરો, જેથી વધારે લાંબી મુદત આપીશું નહીં.