- વરસાદના કારણે તાપમાનનો પારો ગગડયો, કાળઝાળ ગરમીમાં ઘટાડો
- રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ
- હજુ ચાર દિવસ દરમિયાન તેજ પવન ફૂકાવાની શક્યતા
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અને ઉનાળાના પ્રારંભથી જ રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ સતત વરસ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં શનિવાર મોડી રાત અને રવિવાર વહેલી સવારે પડેલા વરસાદના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડયો છે. મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી નીચે ઉતરતા રાજ્યના નાગરિકોને કાળજાળ ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ્ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં મોડી રાત્રે ઉકળાટ અને બફરાથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા. હજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં સોમવારના રોજ તેજ પવન સાથે હળવા વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. પાન ખાતા દ્વારા અપાયેલા સંકેતો મુજબ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે તેમજ કેટલાક વિસ્તારોમાં 50 કિલોમીટરની ઝડપે પણ ભારે પવન ફુંકાઈ શકે છે.