- માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા
- સુરત જિલ્લાના દરિયાઇ કાંઠાના 27 ગામડાઓ એલર્ટ
- દરિયાકાંઠાના જિલ્લાઓમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે
અરબી સમુદ્રમાંથી સર્જાયેલ બિપોરજોય વાવાઝોડાએ ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી 12 કલાકમાં તે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. બિપોરજોય વાવાઝોડું તેની ગતિએ જ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે સાવચેતીના તમામ પગલાં ભરી લીધા છે.
સુરતના ગામડાઓમાં એલર્ટ
આ માટે સંભવિત વાવાઝોડાને લઈ સુરત વહીવટી તંત્ર સજ્જ થયું છે. જેમાં અધિકારી-કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. તો તમામ કર્મચારીઓને રજા રદ્દ કરી હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઓલપાડના દરિયાઇ કાંઠાના 27 ગામડાઓ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
વલસાડમાં ઈન્ડિયન કોસ્ચ ગાર્ડનો મેસેજ
વલસાડમાં વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેના માટે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે માછીમારોને સાવચેત કર્યા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા છે. કર્ણાટક ,મુંબઇ થી લઈ ગુજરાત સુધીના દરિયામાં સંભવિત ચક્રવાતની સંભાવના વિશે અલગ અલગ ભાષામાં ચેતવણી આપવામાં આવી છે.
વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના માછીમારોને 14 જૂન સુધી અરબ સાગરમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. આ વાવાઝોડુ દેશના અનેક રાજ્યોમાં તબાહી મચાવી શકે છે. હાલમાં દરિયાકિનારા પર રહેલા તમામ માછીમારોને પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.
નવસારીના દરિયા કાંઠે કરંટ
વાવાઝોડાની અસરના પગલે નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ પર છે. ખલાસિયોને પણ દરિયો ન ખેડવા માટેની અપીલ કરવામાં આવી છે. નવસારીમાં સંભવિત વાવાઝોડાની ઉભરાટ દરિયા કિનારે સામાન્ય અસર વર્તાઈ છે. ઉભરાટના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળ્યો છે. ઉભરાટ દરિયા કિનારે સહેલાણીઓ મજા માણતા જોવા મળ્યા છે. દરિયા કાંઠે લોકોને ન જવા માટેની અપીલ હોવા છતાં લોકો કિનારે પહોંચી સેલ્ફી લેતા કેમેરામાં કેદ થયા છે.
અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ ડિપ્રેશનના લીધે ઉત્પન્ન થયુ વાવાઝોડુ
અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ ડિપ્રેશનના લીધે ઉત્પન્ન થયેલ વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને વહીવટ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. મલ્ટીપર્પસ સાયકલોન સેન્ટર પર પણ યોગ્ય વ્યવસ્થા શરૂ કરાઇ છે. સાથે જ જરૂર પડે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને શેલ્ટર હોમ પર ખસેડવામાં આવશે. તમામ સ્થળો પર જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ પૂરી પડી રહે તે બાબતે તંત્ર તમામ કાળજી લઈ રહ્યું છે.