- સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા સ્થળ તપાસ કરાઈ
- પ્રોજેક્ટનું સુરત સ્ટોપેજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામે
- દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવા 2026 સુધીમાં શરૂ કરવાનું લક્ષ્ય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના અતિ મહત્વના પ્રોજેકેટ એવા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ માટેની તૈયારીઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઝડપથી ચાલી રહી છે. આ વચ્ચે આગામી 5 જૂનના વડાપ્રધાન મોદી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવા માટે ગુજરાત આવશે.
આ માટે સુરત જિલ્લાના અંત્રોલીમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે તેમજ તેમાં કામગીરી કેટલે પહોંચી છે તેની પણ માહિતી મેળવશે. જેને પગલે સરકારી તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે. કડોદરા પોલીસ સહિત સરકારી તંત્ર સુરક્ષા તેમજ અન્ય આયોજનમાં જોતરાઈ ગયું છે.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરત સ્ટોપેજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે. આ પ્રોજેક્ટની સંભવિત કામગીરી નિહાળવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 5 જૂને આવવાના હોવાથી તડામાર તૈયારીઓ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
જેમાં વડાપ્રધાન અંત્રોલી ગામે આવેલા ક્રિકેટ મેદાન ખાતે હેલિપેડ ખાતે ઊતરી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત કરનાર છે. આથી બુધવારે બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, કડોદરા પોલીસ મથકના પી. આઇ. રાકેશ પટેલ અને અન્ય અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી. જે બાદ વડાપ્રધાનના કાફલાનો રૂટ અને બુલેટ ટ્રેન સ્ટેશન સુધીની મુલાકાત સંદર્ભે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે આ રિપોર્ટના આધારે હવે આગામી દિવસોમાં હજુ વધુ સુરક્ષા માટેની ટીમ આવી કામગીરી શરૂ કરશે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જમીનથી 54 ફૂટની ઊંચાઈએ બુલેટ ટ્રેન દોડશે. એટલું જ નહીં, 18 મીટર ઊંચા થાંભલા, 08 મીટર ઊંડો ફાઉન્ડેશન, 4 મીટર પહોળો રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. સુરતથી બુલેટ ટ્રેન 48 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થશે. હાલમાં 12 કિમી વિસ્તારમાં પિલરનું કામ કરવામાં આવ્યું છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવા 2026 સુધીમાં શરૂ કરવાનું લક્ષ્ય છે. સૌ પ્રથમ તો ગુજરાત ડિવિઝનમાં સુરત-બીલીમોરા લાઇન શરૂ કરવામાં આવનાર હોવાના અહેવાલો છે.