- વેજલપુર મતક્ષેત્રમાં કેન્દ્રીય મંત્રી માંડવિયાનું સંબોધન
- પ્રેમ દુકાનમાં ના મળે, પ્રેમ મેળવવા માટે એ પ્રકારનો વ્યવહાર કરવો પડે
- દેશ આજે આંતરિક અને બાહ્ય સલામતીથી સુરક્ષિત બન્યું છે
શહેરના વેજલપુર વિધાનસભા મતક્ષેત્રમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર સભા સંબોધી હતી, મોદી શાસનના નવ વર્ષની ઉજવણી ટાણે તેમણે સરકારની સિદ્ધિઓ વર્ણવતાં જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારને નવ વર્ષ પૂરા થયા છે, એક માત્ર ભાજપ એવી પાર્ટી છે જે સત્તા માટે સરકાર નથી બનાવતી પણ સેવા કરવા માટે સરકાર બનાવે છે, છેલ્લા નવ વર્ષમાં દેશ આગળ વધ્યો છે, દેશ બદલાઈ રહ્યો છે, વર્ષ 2014 પહેલાં ચૂંટણીઓ આવતી ત્યારે રેવડી વહેંચવામાં આવતી હતી, પરંતુ ભાજપની સરકારના સ્વભાવમાં વાયદાનો વેપાર નથી, આ સરકાર વાસ્તવિકતા આધારે નિર્ણય કરે છે. નરેન્દ્ર મોદીની સરકારે 18 કરોડ બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે, સરળતાથી લોન મળે તે દિશામાં કામ કર્યું છે, એટલું જ નહિ પરંતુ લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ સીધા જ તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. પહેલાં વચેટિયા બારોબાર રકમ ચાઉં કરી જતા હતા, આજે એવું નથી. દેશમાં દસ કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર ચાર મહિના બે હજારની રકમ જમા થાય છે. દેશ આજે આંતરિક અને બાહ્ય સલામતીથી સુરક્ષિત બન્યું છે. કોરોના સમયે સરકારનું મેનેજમેન્ટ અદભુત રહ્યું હતું.