- સુરતમાં પરિવારના ચાર સભ્યોનાં મૃત્યુના આઘાતમાં પગલું ભર્યું
- લાલ દરવાજાની હોસ્પિટલમાં એમઆઈસીયુમાં દાખલ કરાઈ
- હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન વારાફરતી મોતને ભેટયા હતા
સરથાણા વિસ્તારના મોરડિયા પરિવારના સામૂહિક આપઘાતની ઘટના બાદ શનિવારે સવારે મોટી પુત્રીએ પણ બાથરૂમમાં ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પરિવારના ચાર-ચાર સભ્યોના મૃત્યુનો આઘાત જીરવી ન શકતા તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. મૂળ ભાવનગરના સિહોર તાલુકાના પાડાપણ ગામના વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત વિજયનગર વિભાગ-1માં રહેતા મોરડિયા પરિવારના સામૂહિક આપઘાતની ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. બુધવારે રાત્રે મોરડિયા પરિવારના મોભી વિનુભાઈ પત્ની શારદાબેન અને પુત્રી ટીના તથા પુત્ર ક્રિશ સાથે સીમાડા નહેર બીઆરટીએસ રોડ પર ગયા હતા અને ત્યાં ચારેય જણાએ અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. ત્યારબાદ ચારેય જણાને હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન વારાફરતી મોતને ભેટયા હતા. જ્યારે તેમના બીજા બે સંતાનો પૈકી મોટી પુત્રી રુચિતા (ઉં.વ. 26) માસીના ઘરે ગઇ હતી અને પુત્ર પાર્થ (ઉં.વ. 21) ઘરે જ હોય બંનેનો બચાવ થયો હતો. જોકે, પરિવારના સામૂહિક આપઘાતને લીધે રુચિતાને ભારે આઘાત લાગ્યો છે. એક પછી એક માતા, બહેન, ભાઈ અને પિતાના મૃત્યુના સમાચાર મળતા રુચિતા વારંવાર બેહોશ થઈ હતી. તેણીની મનઃસ્થિતિ જોતા પરિવારના સભ્યો રુચિતાને એકલી છોડી રહ્યા નહોતા. દરમિયાન શનિવારે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં બાથરૂમમાં ગયેલી રુચિતાએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. બાથરૂમમાંથી બહાર નીકળેલી રુચિતાના મોંઢામાંથી ફીણ નીકળતું જોઈ પરિવારના સભ્યો ચોંકી ઊઠયા હતા.