- બે આરોપીઓ પાસેથી 2 પિસ્ટલ સહિત 7 હથિયાર અને 15 કારતુસ કબ્જે
- આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરથી તમામ હથિયારો લાવ્યા
- બન્ને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
અમદાવાદમાં રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેર પોલીસે હથિયારોની સપ્લાય પર સક્રિય પણે નજર રાખી કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાત જેટલા હથિયાર અને તમંચા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચને હાથે ઝડપાયેલા બે આરોપીઓ પાસેથી 2 પિસ્ટલ સહિત 7 હથિયાર અને 15 કારતુસ કબ્જે કર્યા છે.
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે માહિતી આપતાં જણાવ્યું કે, આરોપી શાદાબઆલમ શેખ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહે છે. આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરથી તમામ હથિયારો લાવી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. જોકે પોલીસ દ્વારા આરોપીની સાથે રબનવાઝખાનની પણ ધરપકડ કરવામાં આવી છે, તેની પાસે બે હથિયાર મળી આવ્યા હતા. આરોપી રબનવાઝખાનની પૂછપરછ દરમ્યાન આ બંને હથિયારો શાદાબઆલમે આપ્યા હોવાનું ખુલ્યું અને વધુ તપાસ કરતા બીજો આરોપી પણ મળી આવ્યો હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી શાદાબ આલમ કાનપુરથી પિસ્ટલ 15 હજાર રૂપિયામાં લાવીને 35 હજાર રૂપિયામાં વેચવાનો હતો. એટલું જ નહીં પણ આ હથિયાર સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. પ્રાથમિક તપાસમાં એ હકીકત પણ સામે આવી કે હથિયાર ખરીદનાર ગ્રાહકો પોતાની દુશ્મનાવટ અને મોજ- શોખ તેમજ રોંફ જમાવવા માટે આ હથિયાર ખરીદવાના હતા.
આરોપી આ હથિયાર યુપીથી લક્ઝરી બસમાં લાવ્યો હોવાની પણ બાબત સામે આવી છે. ત્યારે બન્ને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવું પણ તપાસમાં સામે આવ્યું છે. હવે પોલીસ એ બાબતે તપાસ શરૂ કરી છે કે હથિયાર ખરીદનાર કોણ હતા. સાથો સાથ યુપીમાંથી આ હથિયાર આરોપીઓને કોણે આપ્યા હતા. આરોપીઓ આ પહેલા કેટલા હથિયારો યુપીથી લાવીને ગુજરાતમાં વેચી ચૂક્યા છે તે તમામ બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં પહેલીવાર અમદાવાદ જગન્નાથજીની ઐતિહાસિક અને ભવ્ય 145મી રથયાત્રા હાઇટેક થવા જઇ રહી છે. જેમાં 3D મેપિંગ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિઆલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે. 22 કિલોમીટરની રથયાત્રાના રૂટનો અભ્યાસ કરી 3D મેપિંગ તૈયાર કરાયુ છે. સાયબર ક્રાઇમ બ્રાંચ અને અનંત યુનિવર્સિટીનાં સંયુક્ત પ્રયાસથી રૂટનું 3D મેપિંગ કરાયુ છે.