- જગ્યાના અભાવે આવી મિલકતો પાર્કિંગની સુવિધા આપી શકતી નથી
- નવા ઈમ્પેક્ટ ફી કાયદા મુજબ AMCએ માત્ર 700 અને ઔડાએ 6 અરજીને માન્ય રાખી
- ગેરકાયદે મિલકતોને નિયમિત કરાવવાની માગ કરનારની હાલત તો વધુ ખરાબ
નવા ઈમ્પેક્ટ ફી કાયદા મુજબ અમદાવાદમાં રસ્તાની તરફ્ રહેલી રહેણાંક મિલકતોમાં બનેલી ગેરકાયદે દુકાનો અને શો-રૂમને કાયદેસર કરવામાં આવશે નહીં. કાયદા મુજબ માલિકોએ આવી મિલકતોના વ્યાપારિક ઉપયોગ કરવો હોય તો પાર્કિંગ માટે ઓછામાં ઓછી 50 ટકા જગ્યા છોડવી જરૂરી છે. જગ્યાના અભાવે આવી મિલકતો પાર્કિંગની સુવિધા આપી શકતી નથી.
શહેરી વિકાસ વિભાગ અને એએમસીના અધિકારીઓના મતે, રસ્તાની તરફ્ રહેલા બંગલા, ટેનામેન્ટ, રો-હાઉસ અથવા ડુપ્લેક્સમાં બનાવાયેલી દુકાનો કે શો-રૂમને નિયમિત કરાશે નહીં કારણ કે તે મિલકતના ઉપયોગનો હેતુ બદલે છે. ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ્ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ-2022(ઈમ્પેક્ટ ફી લો) તા.17-10-2022ના રોજ અમલમાં આવેલો છે. મિલકતોના માલિકોને તેમના ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે ચાર માસનો સમય અપાયેલો છે. આ સમયમર્યાદાને 16 ફેબ્રુઆરી-2023 સુધી લંબાવાયેલી હતી. આ સમય મર્યાદામાં એએમસીને પહેલી જૂન-2023 સુધીમાં 36,349 અરજીઓ મળેલી છે. જો કે, એએમસીએ માત્ર 700 અરજીઓને મંજૂર રાખી છે. મિલકતોને નિયમિત કરાવવા માટેની અંતિમ તારીખ 16 જૂન છે. જો કે, એએમસી દ્વારા અરજીઓ મંજૂર કરવાનો દર બહુ નીચો છે. બીજી તરફ્ ઔડા વિસ્તારમાં ગેરકાયદે મિલકતોને નિયમિત કરાવવાની માગ કરનારની હાલત તો વધુ ખરાબ છે.