લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવા અને મુક્ત કરવા માટેની કાર્યપદ્ધતિ મુજબ જિલ્લા ફરિયાદ નિવારણ કમિટીની રચના કરવામાં આવી
(ધર્મેશ વાળા માહિતી ઓફિસ અમરેલી દ્વારા )
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની કામગીરીના ભાગરુપે ભારતીય ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની તૈયારીઓ શરુ છે. લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરીઓ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગેની ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ-૨૦૨૪નો ભાગ – જી ના મુદ્દા નંબર ૭ થી રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવા અને મુક્ત કરવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે, જેના અંતર્ગત જિલ્લાકક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લાકક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિના અધ્યક્ષ તરીકે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી, કન્વીનર તરીકે ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સભ્ય તરીકે અમરેલી જિલ્લા તિજોરી અધિકારીશ્રી રહેશે. પોલીસ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા કરવામાં આવેલ જપ્તીના દરેક કેસની તપાસણી કરવી, જપ્તી કરવામાં આવેલા કેસમાં કમિટીને જણાય કે જપ્તી સામે એફ.આઈ.આર કે ફરિયાદ ફાઈલ કરવામાં આવી નથી અથવા તો જપ્તી, માનક સંચાલન કાર્યપદ્ધતિ અનુસાર કોઈ પણ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી ત્યારે તે બાબતનો વિગત દર્શક હુકમ કરીને જેમની પાસેથી રોકડ જપ્ત કરવામાં આવેલ હતી તેવી વ્યક્તિઓને રોકડ મુક્ત કરવાના હુકમ કરવા અંગે તાત્કાલિક પગલા લેશે અથવા જપ્તી અંગેનો નિર્ણય લેવાની કામગીરી આ કમિટી દ્વારા કરવામાં આવશે. રોકડ મુક્ત કરવાને લગતી તમામ માહિતી ખર્ચ દેખરેખ નિયંત્રણના નોડલ અધિકારીએ રોકડની જપ્તીની રકમ અને સંબંધિત વ્યક્તિઓને રોકડ મુક્ત કર્યા તારીખ સંબંધમાં વિગતો સહિત ક્રમવાર, તારીખવાર રજીસ્ટરમાં જાળવવાની કામગીરી કરવામાં આવશે. મુક્ત કરવામાં આવેલા રોકડ રકમ રુ. ૧૦ (દસ) લાખ કરતા વધુ હોય તો રોકડ મુક્ત કરતા પહેલા આવક વેરા અધિકારીના નોડલ અધિકારીને માહિતગાર કરવાના રહેશે. ચૂંટણીપંચને અહેવાલ મોકલવા માટે પંચની વેબસાઈટ પર દૈનિક પ્રવૃત્તિ અહેવાલ માટે ઉપલબ્ધ ઈ.ઈ.એમ.એસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.