- શિક્ષકોની બદલીના નિયમમાં વધુ એક નવો સુધારો આવતાં કેમ્પ પાછો ઠેલાયો
- જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પનો નવો કાર્યક્રમ આજે જાહેર થશે
- શનિવારના રોજ નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકની બદલીના નિયમો અંગે જાહેર થયેલ ઠરાવના 23 દિવસ બાદ ફરી નવો સુધારો થતાં શુક્રવારથી શરૂ થનાર જિલ્લા આંતરિક બદલી કેમ્પ સ્થગિત કરવો પડયો છે. નવા સુધારા મુજબ પ્રાથમિક શાળામાં જે શિક્ષક વધમાં પડશે તેને વધ-ઘટની સાથે આંતરિક બદલી કેમ્પમાં પણ મુળ શાળામાં પરત આવવાની તક મળશે. ઠરાવમાં સુધારો થતાં આંતરિક બદલી કેમ્પ સ્થગિત કરાયો હોવાથી હવે શનિવારના રોજ નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
પ્રાથમિક શિક્ષકોની બદલીના વિવિધ કેમ્પની જાહેરાત થયાં બાદ નિયમોને લઈ મામલો હાઈકોર્ટમાં પહોચ્યો હતો. જેના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે શિક્ષક સંઘના પ્રતિનિધિઓને પણ રાખવામાં આવ્યા હતા. કમિટીની અંદાજે ચારથી વધુ બેઠકો મળ્યાં બાદ આખરી ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેની સરકાર દ્વારા મંજુરી મળતાં શિક્ષણ વિભાગ દ્વારા ગત 11મી મેના રોજ નવો સુધારો ઠરાવ કરવામાં આવ્યો હતો. નવા સુધારા ઠરાવથી શિક્ષક સંઘના પ્રતિનિધિઓ પણ વાકેફ હતા. તેમ છતાં હંમેશાની માફક શિક્ષણ વિભાગને ચગડોળે ચડાવી વાહવાહી ખાટવાના અભરખા રાખતા સંઘના પ્રમુખો દ્વારા ઠરાવ પ્રસિદ્ધ થયાં બાદ વધુ એક નવો સુધારો કરવા માટે બદલી કેમ્પના ત્રણ દિવસ પહેલા શિક્ષણમંત્રીને રજૂઆત કરાતા ફરી આજે નિયમોમાં સુધારો કરાયો. જે મુજબ કોઈપણ સ્કૂલમાં વધમાં પડેલ શિક્ષકને વધ-ઘટની સાથે આંતરિક ઓનલાઈન બદલી કેમ્પમાં પણ મુળ શાળામાં જગ્યા ખાલી હોય તો પરત આવવા મળશે.