- પેપરનો માલ ખરીદી દોઢ કરોડની રકમ ચૂકવી જ નહીં
- વલસાડના વેપારીએ માલના બદલામાં 3.15 કરોડ ચૂકવી આપ્યા હતા
- રૂ.1.55 કરોડ રૂપિયા આપવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો
માધવપુરાના વેપારીની કંપનીમાંથી વલસાડના વેપારીએ પેપરનો રૂ.4.70 કરોડનો માલ ખરીદ્યો હતો. બાદમાં વલસાડના વેપારીએ માલના બદલામાં 3.15 કરોડ ચૂકવી આપ્યા હતા. બાકીના રૂ.1.55 કરોડ ચૂકવવા માટે ગલ્લા તલ્લા કરતો હતો. એટલુ જ નહીં તેણે જે ચેક આપ્યા તે બેંકમાં ભર્યા ત્યારે બાઉન્સ થયા હતા. જેથી માધવપુરાના વેપારીએ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
માધવપુરામાં રહેતા બાબુલાલ મહેતા બિલાડી મિલમાં પારસ પેપરના નામથી ગોડાઉન તથા નરોડા જીઆઈડીસીમાં પણ પારસ પેપર નામથી ગોડાઉન ધરાવી ધંધો કરે છે. વર્ષ 2021માં સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટના માલીક વસીમ વડાવારીયાની ગાડીઓની જરૂર પડતી હોવાથી તેમનો સંપર્ક થયો હતો. થોડા સમય પછી વસીમે જણાવ્યું હતુ કે, દર્શી પેપર નામની પાર્ટી સારી છે. મોરબી ખાતેથી તેમના ટ્રેડર્સ માટે માલ ખરીદે છે. જો તમે તેમને માલ આપશો તો તે સમયસર પેમેન્ટ આપી દેશે. જેથી બાબુલાલે દર્શી પેપરના પ્રોપરાઈટર વિમલ પટેલને ફેન કરીને વાત કરી હતી. બાદમાં વિમલ પટેલે ધીમે ધીમે કરીને કુલ રૂ.4..70 કરોડનો માલ બાબુલાલની કંપની પાસેથી ખરીદ્યો હતો. જેના બદલામાં રૂ.1.15 કરોડ આપ્યા હતા અને બાકીના રૂ.3.55 કરોડ આપ્યા ન હતા. જેથી બાબુલાલે પૈસા માંગ્યા ત્યારે વિમલે રૂ.2 કરોડનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં ભરતા બાઉન્સ થયો હતો. જે બાબતે વિમલને વાત કરી ત્યારે વિમલે બે કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હતા. બાકીના રૂ.1.55 કરોડ રૂપિયા આપવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.