- ‘બિપરજોય’એ 4 દિવસમાં 300 કિ.મી અંતર કાપ્યું, પોરબંદરથી 830 કિમી દૂર
- પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો નહી ખેડવા હવામાન વિભાગની તાકીદ
- માછી મારોને દરિયાકાંઠે ન જવા માટે તાકીદ કરવામાં આવી
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડું ચાર દિવસમાં 300 કિ.મી. અંતર કાપી ગુજરાત તરફ આગળ વધ્યું છે. શુક્રવાર સવારના 8:30 વાગ્યાની સ્થિતિએ વાવાઝોડુ પોરબંદરથી 830 કિમી. દુરની અંતરે પહોચ્યું હતુ. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેજ પવન સાથે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. રવિવારથી રાજ્યના દરિયાકાંઠે સતત પવનની ગતીમાં વધારો થવાની શક્યતાઓ હોવાથી હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું સક્રિય થતાં ગુજરાતના દરિયા કિનારે પવનની ગતીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વાવાઝોડુ ધીમી ગતીએ ગુજરાતના પોરબંદર ખાતેના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ ગુજરાત પહોચે તે પહેલા વાવાઝોડુ પાકિસ્તાનના કરાચી તરફ ફંટાઈ જાય તેવી શક્યતાઓ વધુ પ્રબળ છે. વાવાઝોડાને લઈ હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ વાવાઝોડાના કારણે રાજ્યમાં તેજ પવન સાથે છુટા છવાયા હળવો વરસાદ પડશે. હજુ આગામી બે દિવસ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવે તેવી કોઈ શક્યતાઓ નથી. શનિવારના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડશે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. વાવાઝોડાના કારણે દરિયામાં મોજા ઉછળવા તેમજ તેજ પવન ફૂંકાવાની શક્યતાઓ હોવાથી આગામી પાંચ દિવસ દરમિયાન માછી મારોને દરિયાકાંઠે ન જવા માટે તાકીદ કરવામાં આવી છે.