- આપઘાત કરતાં પહેલાં લખેલી સ્યૂસાઇડ નોટમાં સાત આરોપીઓમાં પ્રેમિકાનો પણ ઉલ્લેખ કર્યો
- દગાબાજ પ્રેમિકાએ અગાઉ યુવક સામે છેડતીની ફરિયાદ કરેલી
- ત્યારે પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો
વેજલપુરના યુવકે સાત વ્યક્તિઓના ત્રાસ કંટાળીને આંબેડકર બ્રિજ પાસે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. જેમાં યુવક અને તેની પ્રેમિકા સંમંતિથી પતિ પત્ની તરીકે રહેતા હતા. જેમાં પ્રેમિકાએ પણ તેની સાથે દગો કર્યો હતો. તેમજ પ્રેમિકાએ અન્ય બે વ્યક્તિઓના કહેવાથી પ્રેમી સામે ફરીયાદ નોધાવતા યુવકે અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત કૌટુંબિક સંબંધીઓએ દાગીના લઇને પરત કર્યા ન હતા. જેથી કંટાળીને યુવકે નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.
વેજલપુરમાં ભૂપેન્દ્ર સોલંકી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જમીન દલાલીનો ધંધો કરે છે. તેમના પત્ની વર્ષ 2016માં બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. સાતેક વર્ષ અગાઉ ભૂપેન્દ્રભાઇનો પરિચય ઉષા માજીરાણા સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ ઉષાએ તેના પતિ સાથે છૂટાછેડા લઇને ભૂપેન્દ્રભાઇ સાથે રહેવા આવી ગઇ હતી. તે બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તે સમયે ઉષાએ વૈશાલી અને હરિશના કહેવાથી ભૂપેન્દ્રભાઇ સામે છેડતીની ખોટી ફરીયાદ કરી હતી. આથી ભૂપેન્દ્રભાઇએ બે વખત દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં ભૂપેન્દ્રભાઇએ તેમના કૌટુંબિક સંબંધી રમેશ ડોડિયા, ધીરુ પરમાર અને રમેશ વાઘેલા પાસેથી દાગીના લીધેલા હતા. જે બાદ તે દાગીના ભૂપેન્દ્રભાઇએ ધીરૂ અને રમેશ વાઘેલાના ત્યાં લગ્નપ્રસંગ હોવાથી પહેરવા આપ્યા હતા. પરંતુ તેમને તે દાગીના પરત આપ્યા ન હતા. તેમના મોબાઇલની તપાસ કરતા ત્રણ વીડિયો મળી આવ્યા હતા. જેમાં ભૂપેન્દ્રભાઇએ તેમના મોતના જવાબદાર પાછળ રમેશ ડોડિયા, રમેશ વાઘેલા, ધીરુ, હરીશ, ઉષા, વૈશાલી, કુલદીપના નામો આપ્યા હતા. તેમજ આ લોકોના કારણે હું બહુ ડિપ્રેશનમાં હતો અને તેમના ત્રાસના કારણે આપઘાત કરૂ છું તેવો ઉલ્લેખ કર્યો હતો.