- ટીકાથી બચવા ‘પાણી પહેલાં પાળ બાંધવા’નો AMCનો પ્રયાસ
- પેચવર્કના કામોમાં બેદરકારી કરનારા સામે પગલાં લેવા તાકીદ
- બેઝવર્ક નહીં કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવા માટે તાકીદ કરવામાં આવી
અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં તાજેતરમાં વરસેલા વરસાદ અને વિવિધ સ્થળે કરાતા ખોદકામને કારણે રસ્તા પર પડતા નાના ખાડાના પેચવર્ક માટે બેઝવર્ક કરવામાં ન આવ્યું હોય તો તે માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને દંડ કરવામાં આવશે. આ હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ ચેરમેન દ્વારા AMCના એન્જિનીયરિંગ વિભાગને સૂચના આપવામાં આવી છે.
શહેરમાં અનેક વિસ્તારમાં પેચવર્ક કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા તંત્ર અને પદાધિકારીઓની રહેમનજરને કારણે માત્ર પેચવર્ક કરી દેવામાં આવે છે. મોટાભાગના રસ્તા પર આ પેચવર્ક થયા પછી રસ્તો વધુ ઉબડખાબડ થઇ જતો જોવા મળે છે. આગામી ચોમાસામાં જો વરસાદથી રસ્તા પર ખાડા પડે અને ક્વોલિટી કામ નહીં કરવામાં આવતાં નબળા કામને કારણે મ્યુનિ. તંત્ર પર અને પદાધિકારીઓને આકરી ટીકાઓનો સામનો કરવો પડે છે. આગામી ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાને કારણે રોડ ધોવાઈ જાય અને રસ્તા પર ખાડા પડવાને કારણે શહેરીજનોની નારાજગી અને રોષનો ભોગ ન બનવું પડે તેમજ વિપક્ષની ટીકાઓનો સામનો ન કરવો પડે તે હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ ચેરમેને ‘પાણી પહેલા પાળ’ બાંધવાનો પ્રયાસ કરાયો છે. બેઝવર્ક નહીં કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવા માટે તાકીદ કરવામાં આવી છે.