- પત્ની પાસે ગેરકાયદે કસ્ટડી હોવાનું પુરવાર કરી શક્યા નથીઃ HC
- દાંપત્ય જીવનમાં કંકાસથી છ મહિનાથી પત્ની-બાળકો અલગ રહે છે
- હેબિયસ કોર્પસની અરજીને હાઈકોર્ટે ફ્ગાવી દીધી છે
લગ્નજીવનમાં તકરાર બાદ બે બાળકોને લઈને જતી રહેલી પત્ની પાસેથી બાળકોની કસ્ટડી મેળવવા માટે પતિ દ્વારા કરાયેલી હેબિયસ કોર્પસની અરજીને હાઈકોર્ટે ફ્ગાવી દીધી છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે અરજદાર પતિ પાસે બાળકોની કસ્ટડી મેળવવા માટે અન્ય કાનુની વિકલ્પ ઉપલબ્ધ છે. અરજદારના પત્ની સંતાનોને ગેરકાયદેસર રીતે તેણીની કસ્ટડીમાં રાખ્યા છે, તેવુ પ્રસ્થાપિત કરવામાં અરજદાર પતિ નિષ્ફ્ળ રહેલ છે.
અરજદાર અને તેની પત્ની અલગ થયા બાદ, પતિએ બાળકોની કસ્ટડી મેળવવા માટે વચગાળાની કે કાયમી રાહત મેળવવા માટેના કોઈ પ્રયાસો કરાયા જ નથી. હવે તેની પત્નીએ કરેલી એફ્આઈઆર અને તેના પ્રોસિડિંગ્ઝના પગલે અરજદારે આ અરજી કરેલી છે, જેથી તેને સ્વીકારી શકાય નહીં. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે વૈવાહિક જીવનના ઝઘડાઓને લીધે 17-12-2022થી તેની પત્ની અલગ રહે છે અને તે તેના પુત્ર અને પુત્રીઓને લઈ ગઈ છે અને તેમને ગેરકાયદેસર રીતે તેણીની કસ્ટડીમાં રાખ્યા છે. એક પિતા તરીકે સંતાનોની કસ્ટડી તેને સોંપવામાં આવે. મહત્વનુ છે કે, છેલ્લા ઘણા સમયથી પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કંકાસ બાદ પત્ની તેના બંને બાળકોસાથે જતી રહી છે અને તે અલગ રહે છે. છેલ્લા કેટલાક સમયથી હાઈકોર્ટ સમક્ષ આ પ્રકારના વિવિધ કેસ આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો ભારત અને વિદેશમાં એમ અલગ રહેતા દંપતિ વચ્ચેના વિખવાદ પણ આવ્યા છે.