- ગરમીના કારણે સોલા સિવિલમાં ઝાડાના કેસ વધ્યા
- ડેન્ગ્યૂ-ચિકન ગુનિયાના લક્ષણ સાથે 48 જેટલા દર્દી નોંધાયા
- એક કિસ્સામાં જે તે દર્દીને સારવાર આપવામાં આવી છે
સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સપ્તાહમાં કૂતરા કરડવાના 86 કેસ અને સાપ કરડવાના એક કિસ્સામાં જે તે દર્દીને સારવાર આપવામાં આવી છે. બીજી તરફ એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1,164 જેટલા કેસ નોંધાયા છે, સ્વાઈન ફલૂ અને કોરોનાના નવા કેસ નોંધાયા નથી, હોસ્પિટલમાં રોજની સરેરાશ 1500થી 1600 દર્દીની ઓપીડી રહે છે, તેમ હોસ્પિટલ સૂત્રો કહે છે. હોસ્પિટલના તબીબના કહેવા પ્રમાણે ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે આવેલા 48 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં તમામ દર્દીના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. વાયરલ ઈન્ફેક્શનના કેસમાં ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે. કાળઝાળ ગરમીમાં ઝાડાના કેસ વધ્યા છે, અગાઉ રોજ એક કેસ નોંધાતો હતો, પણ વધતી ગરમી વચ્ચે સપ્તાહમાં ઝાડાના 29 જેટલા કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગમાં 1 કેસ, ટાઈફોઈડમાં એક અને ન્યુમોનિયાના બે કેસ નોંધાયા છે. બાળકોની ઓપીડીમાં જે કેસ નોંધાય છે તે પૈકી 30 ટકા જેટલા બાળકોને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, બાળકોમાં મોટા ભાગના કેસમાં ઝાડા ઉલટી, વાયરલ ઈન્ફેક્શનના કેસ વધુ જોવા મળ્યા છે. મહત્ત્વનું છે કે, અમદાવાદ શહેરમાં ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવાના બનાવો પણ વધ્યા છે.