- કાઉન્સિલના ચેરમેન કામોમાં જરૂરી ફેરફાર,
- વહીવટી, સૈદ્ધાંતિક, નાણાંકીય નિર્ણયો લેશે
- આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી એવા સાબરમતી ગાંધી આશ્રામ નવીનીકરણ પ્રોજેક્ટમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાદબાકી કરવામાં આવી છે. અમદાવાદની ઐતિહાસિક ઓળખ સમાન સાબરમતી ગાંધી આશ્રામના નવીનીકરણ પ્રોજેક્ટમાં AMCની ખાસ ભૂમિકા રહેશે નહીં. એક્ઝીક્યુટિવ કાઉન્સિલના ચેરમેન કે. કૈલાસનાથન દ્વારા અંદાજે રૂ. 1,200 કરોડના ગાંધી આશ્રામના નવીનીકરણ પ્રોજેક્ટમાં રૂ. 275 કરોડના રોડ, ડ્રેનેજ અને પાણીના કામોમાં જરૂરી ફેરફારો કરવા, કે વહીવટી, સૈદ્ધાંતિક અને નાણાંકીય નિર્ણયો લેવામાં આવશે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને આ તમામ સત્તા સાબરમતી ગાંધી આશ્રામ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેનને સોંપવામાં આવી છે. સાબરમતી ગાંધી આશ્રામ મેમોરીઅલ ટ્રસ્ટના એક્ઝીક્યુટિવ કાઉન્સિલના ચેરમેન કે. કૈલાસનાથન દ્વારા ગાંધી આશ્રામ નવીનીકરણ પ્રોજેક્ટ અંગેના નિર્ણયો લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યાનુસાર, અત્યાર સુધી AMC કમિશનર દ્વારા રોડ, પાણી, ડ્રેનેજ સહિતના કામોને મંજૂરી આપવામાં આવતી હતી. રાજ્ય સરકાર દ્વારા તે કામોને લીલી ઝંડી આપીને AMC કમિશનરને પરત કરવામાં આવતા હતા. આ વહીવટી પ્રક્રિયામાં સમય વેડફાતો હોવાને કારણે અને સાબરમતી ગાંધી આશ્રામ નવીનીકરણની પ્રોજેક્ટની કામગીરી ઝડપી બનાવી શકાય તે માટે હવે સાબરમતી ગાંધી આશ્રામ મેમોરીઅલ ટ્રસ્ટની એક્ઝીક્યુટિવ કાઉન્સિલને મંજૂર કરવાની સત્તા આપવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. સાબરમતીના નવીનીકરણ પ્રોજેક્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે ડેપ્યુટી કમિશનર આઈ. કે. પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાત ટ્રસ્ટન એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન તરીકે રાજ્ય સરકાર દ્વારા કે. કૈલાશનાથનની નિમણૂક કરવામાં આવી છે. આ બંનેના સંકલનથી ગાંધી આશ્રામના નવીનીકરણ પ્રોજેકટનું કામ હાથ ધરવામાં આવશે.