- સરકારી સેવા લે તે પહેલાં જ ખાનગી સંચાલકો પહોંચી જાય છે
- ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો વાજબી ભાવ લે તેવી ચોક્કસ વ્યવસ્થા તંત્રે કરવી જોઈએ
- બીપીએલ કાર્ડ ધારક હોય તો સરકારી એમ્બ્યુલન્સ સેવાનો વિના મૂલ્યે લાભ લઈ શકાય
અસારવા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે જ ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોનો રાફડો ફાટયો છે, દર્દીને ડિસ્ચાર્જ આપે કે પછી મૃત્યુના કિસ્સામાં મૃતદેહ લઈ જવો હોય તેવી સ્થિતિમાં ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાની બુમરાણ મચી છે, દર્દીના સગા સરકારી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરે તે પહેલાં જ ખાનગી સંચાલકો પહોંચી જતા હોય છે. ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો વાજબી ભાવ લે તેવી ચોક્કસ વ્યવસ્થા તંત્રે કરવી જોઈએ.
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે જ ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરોએ ધામા નાખ્યા છે, ખાનગી સંચાલકો ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ પાસેથી મનફાવે તેવા ઊંચા ભાવ વસૂલે છે, તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી વડોદરા ખાતે મૃતદેહ લઈ જવાના કિસ્સામાં 12 હજાર જેટલી ઊંચી રકમ વસૂલવામાં આવી હતી, સામાન્ય રીતે સરકારી એમ્બ્યુલન્સ સેવા કિલો મીટર દીઠ પાંચ રૂપિયા આસપાસ વસૂલતી હોય છે, દર્દીને જે તે સ્થળે પહોંચાડવા અને ત્યાંથી ખાલી વાહન પરત આવે ત્યાં સુધીનું ભાડું ચુકવવાનું રહેતું હોય છે, સરકારી એમ્બ્યુલન્સ સેવાનો લાભ લે તે પહેલાં જ ખાનગી સંચાલકો પહોંચી જતાં હોય છે. ગુજરાત બહારના દર્દી હોય તેવા કિસ્સામાં સરકારી સેવાનો લાભ લઈ શકાતો નથી, તેમાં ખાનગી એમ્બ્યુલન્સ સર્વિસનો જ સહારો લેવો પડે છે. બીપીએલ કાર્ડ ધારક હોય તો સરકારી એમ્બ્યુલન્સ સેવાનો વિના મૂલ્યે લાભ લઈ શકાય છે.