- બિલ્ડિંગ જર્જરિત હોવાના આધારે ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય
- બિલ્ડિંગ રિપેરિંગના નામે લેવાયેલો નિર્ણય અયોગ્યઃ અધ્યાપક મંડળ
- ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ આપી પણ પ્રવેશ ફાળવી શકાય
આશ્રામ રોડ સ્થિત સી.યુ. શાહ કેમ્પસમાં આવેલી કોમર્સ અને સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ નહીં ફાળવવા અંગે સંચાલક મંડળ દ્વારા યુનિવર્સિટીમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આપ્યું હતુ. યુનિવર્સિટી તંત્ર દ્વારા કોલેજ મેનેજમેન્ટની દરખાસ્ત સ્વીકારી પ્રવેશ નહી ફાળવનાનો નિર્ણય કરાયો હતો. યુનિવર્સિટીના આ નિર્ણય સામે ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોમાં ભારે આક્રોસ ફેલાયો છે. જેને લઈ આજે સોમવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ હતી કે, બિલ્ડીંગ મરામત કરવાના કારણમાં પ્રવેશ ન ફાળવવાનો નિર્ણય યોગ્ય નથી. એટલું જ નહી, બિલ્ડિંગને મરામત કરવાનું હોય તો ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ આપી પણ પ્રવેશ ફાળવી શકાય છે.
આ અંગે અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવે જણાવ્યુ હતુ કે, ગુજરાત યુનિ. સંલગ્ન કેટલીક કોલેજો દ્વારા પ્રથમ વર્ષ-2023માં પ્રવેશ નહી ફળવવા રજૂઆત કરાઈ છે. જેમાં સી. યુ.શાહ કોમર્સ કોલેજ અને સી. યુ. શાહ સાયન્સ કોલેજમાં મેનેજમેન્ટની રજૂઆતના આધારે પ્રથમ વર્ષમાં પ્રવેશ ન ફાળવવાનો નિર્ણય લેવાયો છે. જોકે રાજ્યમાં ઘણી કોલેજોનું આયુષ્ય 50 વર્ષથી વધુ નું છે જેમાં શિક્ષણની યોગ્ય વ્યવસ્થા ગોઠવીને મરામત થતું હોય છે. આ પહેલી એવી ઘટના છે જેમાં બિલ્ડીંગ મરામતના મુદ્દે પ્રવેશ ન ફાળવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત યુનિ.માં પણ મોટાભાગના બિલ્ડીંગોમાં મરામતનું કામ ચાલુ હતું અને ચાલુ છે પરંતુ ક્યારેય વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા નથી કે પ્રવેશથી વંચિત રહેવું પડયું નથી. આ સંજોગો જોતા આ સી યુ શાહ ટ્રસ્ટ સંચાલિતકોલેજોને પ્રથમ વર્ષમાં પ્રવેશ ન ફળવવા માટેની રજૂઆતને મંજૂરી આપવી તે ઉચિત દેખાતું નથી.