- સાબરકાંઠાનો નટવર પટેલ, અરવલ્લીનો ઈશ્વર પ્રજાપતિ ઝડપાયો
- બંનેએ વિદ્યાર્થી પાસે 7થી 10 લાખ લઈ પાસ કરાવી દીધા હતા
- અત્યાર સુધી કૌભાંડમાં 13 આરોપીની ધરપકડ
સુરતમાં વિદ્યુતસહાયક ભરતી કૌભાંડમાં વધુ બેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કૌભાંડને લઈ સાબરકાંઠાનો નટવર પટેલ, અરવલ્લીનો ઈશ્વર પ્રજાપતિ ઝડપાયો છે. બંનેએ વિદ્યાર્થી પાસે રૂપિયા 7 થી 10 લાખ લઈ પાસ કરાવી દીધા હતા. તેમજ અત્યાર સુધી કૌભાંડમાં 13 આરોપીની ધરપકડ થઇ છે.
આરોપીઓએ રૂપિયા ૩૦ કરોડ ખંખેર્યા હોવાની વિગતો સામે આવી
ચકચારી વિદ્યુતસહાયક ભરતી કૌભાંડ મામલે વધુ બે ઝડપાયા છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબરકાંઠાના નટવર પટેલ અને અરવલ્લીના ઈશ્વર પ્રજાપતિને ઝડપી પાડ્યા છે. બંનેએ ઉમેદવાર પાસેથી પરીક્ષા અપાવી રૂપિયા 7 થી 10 લાખ લઈ પાસ કરાવી દીધા હતા. અત્યાર સુધી કૌભાંડમાં ક્રાઇમબ્રાન્ચે 13 આરોપીની ધરપકડ કરી છે. વિદ્યુતસહાયક ભરતી કૌભાંડમાં ૩૦૦થી વધુ ઉમેદવારોને પાસ કરાવવામાં આવ્યા છે અને આરોપીઓએ રૂપિયા ૩૦ કરોડ ખંખેર્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
અનેક ઉમેદવારો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા
તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાંચે અરવલ્લી જિલ્લામાંથી ત્રણની ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી હતી. વિદ્યુતસહાયક ભરતીના તાર અરવલ્લી સુધી પહોંચ્યા છે અને જેમાં 50થી વધારે નામ ખૂલે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. બાયડ તાલુકામાંથી પણ મોટા માથાની અટકાયત કરવામાં આવી શકે છે તો અનેક રાજકીય મોટા માથાઓના પગ નીચે રેલો આવી શકે છે તો પૈસા આપીને નોકરીએ લાગેલા અનેક ઉમેદવારો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 12થી 15 લાખ આપીને નોકરીએ લાગેલા 50થી વધારે ઉમેદવારોને હાલ પરસેવો છૂટી રહ્યો છે અને પૈસા જવાની સાથે સાથે આબરૂ જવાનો ડર સતાવી રહ્યો છે.