- પાણીનું ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ
- આજુબાજુની બિલ્ડીંગો અને દુકાનો કરાવી ખાલી
- સદનસીબે કોઇ જાનહાનિ નહીં
સુરતમાં નાનપુરા ખાતે ગેસ લાઈનમાં લીકેજ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેમાં જેસીબી મશીનથી પાણીની લાઇનમાં ખોદકામ કરતી વખસે અચાનક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ગેસ લાઇન લીકેજ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી.
પાણીનું ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ
મળતી માહિતી મુજબ સુરતમાં આવેલા નાનપુરા વિસ્તારમાં પાણીની લાઈનનું કામકાજ ચાલી રહ્યું હતું. જેને લઇ જેસીબી મશીન બોલામાં આવી હતી. જેસીબી મશીનથી ચાલી રહેલા ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં લીકેજ થતા સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ દ્વારા આજુબાજુની બિલ્ડીંગોને ખાલી કરાવવા સાથે દુકાનો બંધ કરવા સૂચના આપવામાં આવી. ત્યારબાગ તમામ દુકાનો બંધ કર્યા બાદ ગેસ લાઇનમાં થયેલું ભંગાણનું સમારકામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી
સમગ્ર ઘટનાને લઇ ફાયર વિભાગના ઓફિસર રાજેશ દેશમુખે જણાવ્યું હતું કે, ગુજરાત ગેસની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા ગેસ ઝડપથી બહાર નીકળી રહ્યો હતો. સામાન્ય જવલનશીલ પદાર્થ પડે તો આગ ફાટી નીકળવાની દહેશત હતી. જેને પગલે આજુબાજુની બિલ્ડીંગો ખાલી અને દુકાનો બંધ કરવામાં આવી હતી. બીજી બાજુ આ વિસ્તારમાં લોકોની અવર-જવર પણ બંધ કરી દેવાઈ હતી. ગુજરાત ગેસ કંપનીની ટીમ ઘટનાસ્થળે પહોંચી જતા, ગેસ લાઈનો મુખ્ય વાલ્વ બંધ કરતા અડધા કલાક બાદ લીકેજ થતો ગેસ બંધ થયો હતો. સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી.