- ભરિમાતા ફૂલવારી વિસ્તારની ઘટના
- બંનેની હત્યા કરી હોવાની આશંકા
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
સુરતમાં તાપી નદી કિનારેથી 2 મૃતદેહ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. સુરતમાં આવેલા ભરિમાતા ફૂલવારી વિસ્તાર એક મહિલા અને એક પુરુષના શંકાસપદ મૃતદેહ મળ્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં મહિલાનો મૃતદેહ સાવરે મળ્યો હતો. મહિલાના મૃતદેહની તપાસ ચાલી રહી હતી ત્યારે વધુ એક મૃતદેહ મળ્યો હતો.
2 મૃતદેહ મળતા પોલીસ તંત્રમાં દોડધામ
સુરત શહેર હવે દિવસેને દિવસે ક્રાઇમ સીટી બનતુ જોવા મળી રહ્યું છે. સુરતમાં લૂંટ, ચોરી, હત્યા જેવી અનેક ઘટનાઓ વધુ થવા લાગી છે. તેવામાં ભરિમાતા ફૂલવારી વિસ્તારમાં 2 શંકાસ્પદ મૃતદેહ મળતા પોલીસ તંત્ર કામે લાગ્યું છે. મળતી માહિતી મુજબ પોલીસને સવારના સમયે તાપી નદી કાંઠેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલાનો મૃતદેહ મળતા પોલીસ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસની ટીમને વધુ એક મૃતદેહ મળ્યો. યુવક-યુવતીનો મૃતદેહ મળતા પોલીસ તંત્ર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જે રીતે બન્નેના મૃતદેહ મળ્યા છે જેના પરથી અનુમાન લગાવામાં આવ્યુ છેકે, બંનેની હત્યા કરવામાં આવી હોય. ચોક બજાર પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવક-યુવતીની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.