- ક્રાઇમ બ્રાંચે પ્રવિણ જેઠાની કરી ધરપકડ
- આરોપીએ અનેક વેપારીઓ સાથે કરી ઠગાઇ
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
કાપડ માર્કેટમાં ઉઠમણા કિંગ તરીકે નામચીન પ્રવિણ જેઠાને ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદથી પકડી પાડયો હતો. પ્રવિણે નાના ભાઇ દિનેશ જેઠા પટેલ સાથે મળી અનેક વેપારીઓને ઝાંસો આપ્યો છે. ખટોદરા પોલીસ મથકે અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં પણ તેની સામે ઠગાઇના ગુના નોંધાયા હતા.
અનેક કાપડ વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરી
મળતી વિગતો પ્રમાણે ઘોડદોડ રોડ પર સંત તુકારામ સોસાયટીમાં રહેતા અને ઉધના મગદલ્લા રોડ ઉપર આત્માનંદ ઇન્ડસ્ટ્રીઝ-૨માં ડી.બી. બારડોલીવાલાના નામે પેઢી ચલાવતાં પીયૂષ બારડોલીવાલાએ ગત માર્ચ માસમાં ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગત વર્ષ 2021માં દિનેશ જેઠા પટેલ, ભરત જેઠા, પ્રવીણ જેઠા સાથે દલાલો થકી પરિચય થયો હતો. દિનેશ જેઠા અને પ્રવિણ જેઠા ખટોદરામાં શ્યામ ફેશન અને ચિત્રકૂટ ઇમ્પેક્ષના નામે પેઢી ધરાવતા હતા. આ ટોળકીએ પોતે મોટા વેપારી હોવાનું જણાવી વિશ્વાસ કેળવી બારડોલીવાળા પાસે મોટા જથ્થામાં કાપડ ખરીદી નાણાં ચૂકવ્યા વિના જ ટોળકી દુકાન બંધ કરી દીધી હતી. ખટોદરા પોલીસે દિનેશ જેઠા, પ્રવિણ જેઠા આણી મંડળી સામે સવા બે કરોડની ઠગાઇનો ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં જે-તે સમયે પોલીસે દિનેશ જેઠા પટેલને પકડી પાડયો હતો જ્યારે પ્રવિણ જેઠા નાસતો-ફરતો હતો.
ક્રાઇમ બ્રાંચે પ્રવિણ જેઠાની કરી ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વોન્ટેડ આરોપી પ્રવિણ જેઠાભાઇ પટેલ (ઉ.વ.52),રહે- કોરલ હાઇટ્સ, અલથાણ-કેનાલ રોડ- મુળ દાસજ, તા.સિદ્ધપુર, જિ.પાટણ)ને અમદાવાદના ઇસનપુરથી પકડી પાડયો હતો. પ્રવિણ અમદાવાદમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પ્રવિણ અને દિનેશ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં પણ ગુનો નોંધાયો હતો. અમદાવાદના વેપારી જીતેન્દ્ર શાહને ચાણક્ય ઇન્ટરનેશનલના નામે માલ મંગાવી દોઢ કરોડનો ચૂનો ચોપડયો હતો. પ્રવિણ જેઠાને જેલભેગો કરી દેવાયો છે.
કાપડ માર્કેટમાં અનેક ખેલ કર્યાનું ખુલ્યું
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિનેશ જેઠા, પ્રવિણ જેઠા આણી મંડળી કાપડ માર્કેટમાં ઉઠમણા કિંગ તરીકે નામચીન છે. સામાન્ય કે ગરીબ લોકોને લોભામણી લાલચ આપી તેઓના નામે જીએસટી નંબર મેળવતા હતા. ડમી પેઢી ખોલી અનેક વેપારીઓને નવડાવ્યા છે. પાંચ વર્ષ પહેલાં જ લાઇમલાઇટમાં આવેલી આ ટોળકીએ કાપડ માર્કેટમાં અનેક ખેલ કર્યા હોવાનું કહેવાય છે. ખટોદરા પોલીસમાં નોંધાયેલા ગુનામાં કાપડ દલાલ ભરત ટાલિયા પણ આરોપી છે. જોકે, ભરત ટાલિયાએ વર્ષ 2022માં કોર્ટના ચોથા માળેથી ઝંપલાવી દીધું હતુ. ચિટર ટોળકીની ચુંગાલમાં ફસાઇ ગયેલા ભરત ટાલિયા આપઘાત કરવા મજબૂર બન્યા હતા. દિનેશ જેઠા અને પ્રવિણ જેઠાએે મહારાષ્ટ્રમાં પણ ખેલ કર્યો હોવાનું જાણવા મળે છે.