- ગાંજાનો વેપાર કરતા યુવકે પત્ની-માતા સાથે મળી ડામ આપ્યા
- મોબાઇલ ચોરીનો આરોપ મૂકી પૂછપરછના નામે હેવાનિયત આચરી
- દીકરીને ઈંડા અને સેન્ડવીચ શેકવાના મશીનથી ડામ આપવામાં આવ્યા
સુરતમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેમાં એક 6 વર્ષની બાળકીને તેના પડોશમાં રહેતાં એક શ્રમિકની છ વર્ષની દીકરીને ગાંજાનું વેચાણ કરનાર વ્યક્તિ દ્વારા શરીર પર ડામ આપ્યા હોવાની ઘટના સામે આવી છે. આ હેવાનિયત આચરવામાં આરોપીને તેની પત્ની અને માતાએ પણ સાથ આપ્યો હતો.
આ અંગે માહિતી અનુસાર આરોપી દ્વારા બાળકી પર મોબાઇલ ચોરીનો આરોપ મૂકી ડામ આપ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. સચિન જીઆઈડીસી સ્લમ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એક શ્રમિક પરિવાર તેના ત્રણ સંતાનો સાથે રહે છે. આ શ્રમિક પરિવારની નજીકમાં જ રહેતા સાહિલ અને તેની પત્ની ખુશી અવારનવાર આ શ્રમિક પરિવારના બાળકો પાસે ગાંજાના પેકિંગો કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બાળકીની માતા દ્વારા આક્ષેપ કરાયો છે કે, સાહિલ અને તેની પત્નીને અગાઉ પણ આ બાબતે મનાઈ કરી હતી પરંતુ તેઓ માનવા તૈયાર નથી. આશરે ત્રણ દિવસ પહેલા શ્રમિક દંપતી રાત્રિના સમયે ફેક્ટરી પર કામ કરવા ગયું હતું અને ત્યારબાદ સવારે જ્યારે પરત આવ્યું ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા શ્રમિક દંપતીને કહેવામાં આવ્યું હતું કે, સાહિલ દ્વારા છ વર્ષની બાળકીને માર મારવામાં આવ્યો છે. જ્યારે પરિવારે આ બાબતે સાહિલને પૂછ્યું ત્યારે સાહિલ અને તેની પત્ની દ્વારા કહેવામાં આવ્યું કે, તારી દીકરી ગાંજો ચોરી ગઈ છે તેથી તેને માર મારવામાં આવ્યો છે પરંતુ આ ઘટનામાં ગાંજો વેચનારા સાહિલ અને તેની પત્ની પર આક્ષેપ છે કે, તેમને આ છ વર્ષની દીકરીને ઈંડા અને સેન્ડવીચ શેકવાના મશીન વડે બાળકીના થાપાના ભાગે ડામ આપ્યા હતા.
બે મહિલા સહિત ત્રણની અટકાયત
હાલ આ બાળકીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે એસીપી આર એલ માવાણીએ જણાવ્યું હતું કે, આરોપી સાહિલ દ્વારા બાળકી પર મોબાઈલ ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીને પૂછપરછ માટે ઘરે લઈ ગયો હતો. જોકે, સાહિલ તેની પત્ની અને માતાએ બાળકીને થાપાના ભાગે ડામ આપ્યા હતા. આ અંગે તેની માતાની ફરિયાદ આધારે ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી છે.