- ધાર્મિક કાર્યક્રમ સંદર્ભમાં બાગેશ્વર સરકાર આયોજન સમિતિ
- લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ
- સી આર પાટીલના દીકરા જીગ્નેશ પાટીલ હાજર રહ્યા
ગુજરાતમાં પ્રથમ જ વખત બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી રહી છે. આયોજન સમિતિએ નીલગીરી મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને જેના માટે તમામ સ્થળ પર કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે 12 કમિટીઓ બનાવવામાં આવી છે. જેમને તમામ કામગીરી સોંપવામાં આવી છે.
સુરત શહેરમાં ચાલુ મહિનાના અંતમાં તારીખ 26 અને 27મીએ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 6 રાજ્યોમાંથી 2.5 લાખ લોકો હાજરી આપશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાની વાત કહેવામાં આવી રહી છે.
ધાર્મિક કાર્યક્રમ સંદર્ભમાં બાગેશ્વર સરકાર આયોજન સમિતિ
બે દિવસના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકાર કિર્તિદાન ગઢવીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ અહીં લોકડાયરો કરીને ધૂમ મચાવશે તેમ કહેવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના આયોજન માટે અલગ-અલગ 12 જેટલી કમિટી બનાવવામાં આવી છે. જેમાં પાણી, સ્ટેજ, વ્યવસ્થા સહિતની સમિતી બનાવવામાં આવી છે. આયોજકો દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી રહી છે.
મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો હાજરી આપશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવાની સાથે અહીં આવનારા લોકોને કોઈ અસુવિધા ના થાય તે માટે અલગ-અલગ કમિટીને વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં આ કાર્યક્રમનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમો પહેલા સામાજિક સંસ્થાઓ અને રાજકીય વિવિધના કારણે પણ તે ચર્ચામાં છે.
કોણ છે 12 સભ્યો
કાર્યક્રમના અંગે વાત કરતાં સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું કે, કાર્યક્રમના આયોજન માટે 12 કમિટી બનાવવામાં આવી છે. કમિટી બનાવી બધાને કામગીરી પણ સોંપવામાં આવી ગઈ છે. જેના આયોજક તરીકે ધીરેન્દ્ર શાસ્ત્રીના ધર્મના માતા કિરણ પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ,સંદીપ દેસાઈ, સી આર પાટીલના દીકરા જીગ્નેશ પાટીલ પણ આયોજન સ્થળે પહોંચ્યા હતા. તેમજ કમિટીમાં સ્થાનિક કોપોર્રેટરથી લઈ સ્થાનિક નેતાઓ અને વિવિધ સંસ્થાઓ જોડાઈ છે. આયોજન સ્થળ પર સ્ટેજ,VIP સ્ટેજ,લાઈટ,સહિત બેરીકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. સુરતના લોકોને આશીર્વાદ આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાના છે જેના માટે લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.