- કાર્યક્રમને લઈ તૈયારીઓ આરંભી દેવામાં આવી, બેનરો લાગ્યા
- બેનરમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નામ સામેલ
- કાગળ પર મહત્વનો પ્લાન બનાવામાં આવ્યો છે : સંગીતા પાટીલ
બાગેશ્વર બાબાના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં આગામી 26 મેથી 2 જૂન સુધી આયોજીત થઈ રહ્યો છે. ત્યારે તેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના માટે સુરતમાં 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં હશે ત્યારે તેમના આગમન પહેલાં બેનરો લગાવવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામ સામેલ કરવામાં આવ્યા છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લિંબાયત ખાતે આયોજીત દિવ્ય દરબારની સભામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજરી આપશે. આ માટે રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ, લીંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, કોર્પોરેટર અને શાસક પક્ષ નેતા અમિત રાજપૂત મુખ્ય આયોજક છે.
આ કાર્યક્રમ માટે દેશભરમાંથી ત્રણ લાખથી વધુ ભક્ત સુરતમાં બાગેશ્વર ધામના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં કાર્યક્રમ માટે તમામ પરમિશનો પણ આપી દેવામાં આવી છે અને કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.
કાર્યક્રમના તૈયારીઓ અંગે ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું કે, કાગળ પર મહત્વનો પ્લાન બનાવામાં આવ્યો છે. જેના માટે પ્રોપર પ્લાન મુજબ કામગીરી ચાલી રહી છે. આ માટે તમામ યોજના અનુસાર લોકોને તકલીફ ન થાય તે માટે કામ કરવામાં આવશે.
આજે સંગીતા પાટીલની ઓફિસ પર મળેલી બેઠકમાં ધારાસભ્ય સંદીપ દેસાઈથી લઈ લીંબાયત પોલીસ સ્ટાફ અને અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.