- હાઈકોર્ટે અરજદાર કંપનીને રૂ. 10,000નો દંડ ફટકાર્યો
- જીએસટી વિભાગની કામગીરી સામે કંપનીએ હાઈકોર્ટમાં અરજી કરેલી
- એન્ફેર્સમેન્ટ એજન્સીઓને સેઝ એક્ટ-2005ની કલમ-21(1) હેઠળ આ સત્તા અપાયેલી
ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, સ્પેશિયલ ઈકોનોમી ઝોન (એસઈઝેડ-સેઝ)માં સ્થિત યુનિટ સામે સ્ટેટ જીએસટી વિભાગ કાર્યવાહી કરી શકે છે. હાઈકોર્ટે અરજદાર કંપની આરએચસી ગ્લોબલ એક્સ્પોર્ટ પ્રા. લિ.ની ઝાટકણી કાઢતા રૂ. 10 હજારનો દંડ ફ્ટકાર્યો છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, અરજદાર કંપની પર આક્ષેપ છે કે તેણે ગેરરીતિ આચરેલી છે. તેને ધ્યાનમાં લઈએ કંપની દ્વારા આ પ્રકારની અરજી કરવી એ કાયદાની પ્રક્રિયાના દૂરપયોગ સમાન છે. સ્ટેટ જીએસટી વિભાગને સેઝ વિસ્તારમાં કાર્યવાહી કરવાની સત્તા છે. કેન્દ્ર સરકારે 05-08-2016ના રોજ જાહેરનામુ બહાર પાડીને જીએસટી વિભાગના અધિકારીઓને સત્તા આપેલી છે અને તેથી તેના ન્યાયિક ક્ષેત્રને લઈ સવાલ થઈ ના શકે. સેન્ટ્રલ જીએસટી એક્ટની કલમ-6(2) એ વાતને જણાવે છે કે ક્યા ચોક્કસ અધિકારી હુકમ કરી શકે. કેન્દ્ર સરકારના જ્યુરિડિક્શનલ ઓફ્સિરના નિર્દેશ મુજબ તે સેન્ટ્રલ જીએસટી એક્ટ હેઠળ આ હુકમ કરી શકે છે, તેથી એવુ ન કહી શકાય કે સ્ટેટ જીએસટી વિભાગની કોઈ ભૂલ છે. આ કેસમાં અરજદાર કંપનીએ તપાસમાં સહયોગ આપ્યો નથી, તે કોર્ટના હુકમની રાહના નામનુ બહાનુ કરતા હતા. આ પ્રકારના વલણ સામે કડકાઈ પગલા લેવા જરૂરી છે. જેથી, ભવિષ્યમાં કોઈ આ પ્રકારની અરજી ન કરે. જીએસટી વિભાગની રજૂઆત હતી કે ડેવલપમેન્ટ કમિશનરને આ પ્રકારના પગલા લેવાની કાયદાએ સત્તા આપેલી છે. બંધારણની કલમ-246(એ) હેઠળ પણ ખાસ જોગવાઈઓ નિર્દિષ્ટ કરાયેલી છે અને એન્ફેર્સમેન્ટ એજન્સીઓને સેઝ એક્ટ-2005ની કલમ-21(1) હેઠળ આ સત્તા અપાયેલી છે.