- ગત મે મહિનાની સરખામણીએ જળાશયોમાં પાણીનો જથ્થો ઘટયો
- 207 ડેમમાં 41.95 ટકા જળસંગ્રહ, પાણીની તંગીનાં એંધાણ
- ડેમોમાં ગત વર્ષની સરખામણીએ અત્યારે પાણીનો જથ્થો ઓછો
ગુજરાત સરકારે દાવો કર્યો છે કે, આ વખતે ઉનાળાની સિઝનમાં લોકોને પાણીની તકલીફ નહિ પડે, જોકે રાજકોટ, બનાસકાંઠા સહિતના રાજ્યના સાત જિલ્લાના ગામોમાં પાણીની બુમરાણ મચી છે, જેને લઈ ટેન્કર મારફત પાણી પૂરું પડાઈ રહ્યું છે, બીજી તરફ 19મી મે ની સ્થિતિએ ગુજરાતના 207 ડેમોમાં 41.95 ટકા પાણી બચ્યું છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં અત્યારે માંડ 22.45 ટકા જેટલું પાણી બચ્યું છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 35.18 ટકા અને મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 35.16 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. એક રીતે ડેમોના તળિયા દેખાવાની સ્થિતિ આવી છે. સૌરાષ્ટ્ર સહિતના ડેમોમાં ગત વર્ષની સરખામણીએ અત્યારે પાણીનો જથ્થો ઓછો છે.
રાજ્યના નર્મદા વિભાગના રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્ર કરતાં કચ્છના ડેમોની સ્થિતિ સારી છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં અત્યારે માંડ 22.54 ટકા પાણી બચ્યું છે જ્યારે કચ્છના 20 ડેમોમાં 30.46 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતમાં ગત ચોમાસાની સિઝનમાં સારો વરસાદ થયો હતો, અહીંના 13 ડેમોમાં 45.76 ટકા જળસંગ્રહ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 47.25 ટકા પાણીનો સંગ્રહ છે. એકંદરે ગુજરાતના ડેમોમાં ગત વર્ષની સરખામણીએ અત્યારે 780 મિનિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઓછો છે.
ડેમોમાં પાણીનો વાપરી શકાય તેવો પાણીનો જીવંત સંગ્રહ ઉત્તર ગુજરાતમાં 30.59 ટકા આસપાસ છે, એમાંય બનાસકાંઠાના ડેમો સુકાભઠ્ઠ થવા આવ્યા છે, અહીંના ડેમોમાં પાણીનો જીવંત સંગ્રહ માંડ 15.33 ટકા આસપાસ છે. મધ્ય ગુજરાતના ખેડામાં સાવ તળિયા ઝાટક સ્થિતિ છે, ડેમો જાણે ક્રિકેટના મેદાનમાં ફેરવાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં 16.56 ટકા પાણીનો જીવંત સંગ્રહ બચ્યો છે, દાહોદ જિલ્લામાં માંડ 9 ટકા જીવંત પાણીનો સંગ્રહ છે. કચ્છના ડેમોમાં પાણીનો જીવંત સંગ્રહ 24.68 ટકા આસપાસ રહ્યો છે. ગુજરાતના જળાશયોમાં પાણીની સ્થિતિ જોતાં આગામી સમયમાં પીવાના પાણીને લઈ સમસ્યા ઉભી થાય તેવી શક્યતા છે.