- ડૉગ બાઈટ’ના કિસ્સામાં સુરત શહેરમાં વધુ એક મૃત્યુ
- ડૉક્ટરોએ કાગળ પર લખાણ લઈ રજા આપી દીધી હોવાનો પરિવારજનોનો આક્ષેપ
- હડકવાનાં લક્ષણો દેખાતા તેણીને સિવિલમાં દાખલ કરાઈ હતી
શહેરમાં ‘ડૉગ બાઈટ’ના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સુરત સિવિલમાં દરરોજ કૂતરું કરડી ગયા હોય તેવા જૂના-નવા મળીને 100ની આસપાસ અને સ્મીમેર હોસ્પિટલમાં 50થી વધુ લોકો હડકવા વિરોધ ઇન્જેક્શન મુકાવવા આવી રહ્યા છે, છતાં પાલિકાતંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાતા શહેરમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. મોરાભાગળ વિસ્તારની આવી જ એક યુવતીને કૂતરું કરડી ગયાના છ મહિના બાદ હડકવાનાં લક્ષણો દેખાતા ગણતરીના કલાકોમાં મોતને ભેટી હતી.
મોરાભાગળ શાકભાજી માર્કેટ પાસે રહેતી જ્યોતિ વિનોદ દેવીપૂજક (ઉં.વ. 18)ને બુધવારે હડકવાની અસર દેખાતા સિવિલમાં ખસેડાઈ હતી. પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, આશરે છ મહિના અગાઉ રાંદેર, હનુમાન ટેકરી પાસે જ્યોતિના જમણા પગે એક કૂતરાએ બચકું ભરી લીધું હતું. જેને લીધે તેણીના પગમાંથી લોહી પણ નીકળ્યું હતું. જે તે સમયે તબીબી સારવાર સાથે જરૂરી ઇન્જેક્શન પણ લીધા હતા. દરમિયાન બુધવારે બપોરે ત્રણેક વાગ્યાથી જ્યોતિનો શ્વાસ ચઢવો, મોઢામાંથી ફીણ નીકળવું અને અજવાળું જોઈને ગભરાવવા જેવા હડકવાનાં લક્ષણો દેખાતા તેણીને સિવિલમાં દાખલ કરાઈ હતી. જોકે, ડૉક્ટરોએ અમારી પાસે એક કાગળ પર લખાણ લઈ રજા આપી દીધી હતી. ત્યારબાદ તેઓ જ્યોતિને લઈને ઘરે આવી ગયા હતા. દરમિયાન ગુરુવારે સવારે જ્યોતિ ઘરે મોતને ભેટી હતી. આ મામલે તપાસ કરીને કહીશ એમ મેડિસિન વિભાગના વડા ડૉ. કે. એન. ભટ્ટે કહ્યું હતું.