- કોન્ટ્રાક્ટરની બેંક ગેરેંટી અંગે જમા લીધાની વિગતો દર્શાવાઈ નહોતી
- બ્રિજના કામમાં ઓડિટ અધિકારીઓને ક્ષુલ્લક અને નજીવા કારણો નજરે ચઢે છે
- AMCના આર્થિક નુકસાન ગણીને તે રકમ રીકવર કરાઈ હોવાની રીમાર્ક કરવામાં આવી
અમદાવાદમાં છેલ્લાં કેટલાંક સમયથી હલકી ગુણવત્તાને કારણે AMC તિજોરીને રૂ. 40 કરોડથી વધુ રકમનો ફટકો પહોંચાડવા બદલ વિવાદના વમળમાં ફસાયેલા અને ચર્ચાને ચકડોળે ચડેલા તેમજ ભ્રષ્ટાચારના નમૂના તરીકે ઓળખાવાતા હાટકેશ્વર બ્રિજ મામલે AMC ઓડીટ વિભાગની બેદરકારી પણ નજરે ચઢી છે. AMCના ઓડિટ વિભાગના અધિકારીઓ હાટકેશ્વર બ્રિજની કામગીરીના ઓડિટમાં અત્યંત ક્ષુલ્લક અને નજીવા ‘ટેકનીકલ’ કારણો આગળ ધરીને બિલના ફાયનલ પેમેન્ટમાંથી કારયેલી ફક્ત રૂ. 2,230ની રીકવરી અંગે રીમાર્ક કરવામાં આવી છે. આમ, ઓડીટ વિભાગ દ્વારા AMCના જુદા જુદા વિભાગોની કામગીરી, ખર્ચ, પેમેન્ટ, વગેરેનું યોગ્ય અને વ્યવસ્થિત રીતે ઓડીટ કરવામાં આવે છે કે કેમ ? તેવો પ્રશ્ન મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે. હાટકેશ્વર બ્રિજમાં ડીફેકટ લાયેબિલીટી પિરીયડ પૂર્ણ થયા પછી બેંક ગેરેંટી અંગે બેંકનો કન્ફર્મેશન લેટર, બેંક ગેરેંટી લેટર અને બેંક ગેરંટી જમા લીધાની વિગતો મેળવી બતાવેલ ન હોવા અંગેની રીમાર્ક કરાઈ છે. હાટકેશ્વર બ્રીજ કામની 20 ટકા ડીફેક્ટ લાયેબિલિટી પિરીયડ પૂરો થયા પછીના બે વર્ષની અને મેસ્ટીક આસ્ફાલ્ટના કામની 20 ટકા ડીફેક્ટ લાયેબિલિટી પિરિયડ પૂરો થયા પછીના 4 વર્ષની બેંક ગેરેંટીની વિગત મેળવી બતાવેલ ન હોવાની રીમાર્ક કરવામાં આવી છે.
AMC દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ નબળી અને હલકી ગુણવત્તાને કારણે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ અગમ્ય કારણોસર હજુ સુધી હાટકેશ્વર બ્રિજને જમીનદોસ્ત કરવા પગલાં લેવાયા નથી. AMCના બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓની લાલીયાવાડી અને ઘોર બેદરકારીને કારણે હાટકેશ્વર બ્રિજને તોડવાની નોબત આવી છે. હાટકેશ્વર બ્રિજની કામગીરી દરમિયાન AMC ઓડિટ વિભાગની બેદરકારી પણ જોવા મળી છે. AMCના ઓડિટ વિભાગના અધિકારીઓ હાટકેશ્વર બ્રિજની કામગીરીના ઓડિટમાં ખૂબ જ સામાન્ય કારણો આગળ ધરીને બિલના ફાયનલ પેમેન્ટમાંથી ફક્ત રૂ. 2,230ની રીકવરી અંગેની રીમાર્ક કરી છે.
મ્યુનિ.ઓડીટ વિભાગ દ્વારા જુદા જુદા ત્રણ મુદ્દે બિલમાં દર્શાવાયેલ ક્વોન્ટિટી અને વાસ્તવિક ક્વોન્ટિટીમાં તફાવત દર્શાવીને બિલની ચૂકવાયેલી રકમમાંથી ફક્ત રૂ. 801, રૂ. 193 અને રૂ. 1,236 વધુ ચૂકવેલ હોઈ તેને AMCના આર્થિક નુકસાન ગણીને તે રકમ રીકવર કરાઈ હોવાની રીમાર્ક કરવામાં આવી છે.