સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે ‘રફતારના રાક્ષસો’ એ માતેલા સાંઢની જેમ કાર દોડાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. સામે આવેલા CCTV ફૂટેજમાં (Surat BMW Car Accident) સ્પષ્ટ દેખાય છે કે નબીરાઓ જાહેર માર્ગો પર મોતની રેસ લગાવી રહ્યા હતા. અંદાજે 150 કિમીથી વધુની ઝડપે દોડતી BMW અને BE-6 કાર વચ્ચેની આ હોડમાં અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મોંઘીદાટ કારોની એરબેગ્સ ખુલી ગઈ હતી. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે રેસના ચક્કરમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા.

વેસુ પોલીસ એક્શનમાં
અકસ્માતની આ ઘટના બાદ સુરતની વેસુ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન BE-6 કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરી લીધી છે. જોકે, BMW કારનો ચાલક અલ્કેશ અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસની ટીમ અલ્કેશના ઘરે તેને પકડવા પહોંચી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો.

રેસના ચક્કરમાં અકસ્માત સર્જીને ફરાર થઈ જનાર આ નબીરા વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાની દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર, મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે. જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે
નબીરાઓની જીવલેણ હોડ
સુરતના રસ્તાઓ પર નબીરાઓ દ્વારા કરવામાં આવતા આવા જોખમી સ્ટંટ હવે ચિંતાનો વિષય બન્યા છે. CCTVમાં કેદ થયેલી કારની ગતિ જોઈને અંદાજો લગાવી શકાય છે કે જો કોઈ રાહદારી કે વાહનચાલક આડે આવ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલમાં પોલીસ ફરાર આરોપી અલ્કેશને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાનો ડર ન હોય તેમ શ્રીમંત નબીરાઓ જાહેર માર્ગોને રેસિંગ ટ્રેક સમજીને લોકોની સુરક્ષા સાથે ચેડા કરી રહ્યા છે.
